Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મુંબઈ સ્થિત બાબા સાહેબ આંબેડકરના ઘરમાં તોડફોડ

અજાણ્યા શખ્સોનું કરતૂત : હુમલાને તમામ લોકોએ વખોડી કઢાયો, પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

મુંબઈ, તા. ૮ : બંધારણના નિર્માતાઓમાંથી એક ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુંબઈ સ્થિત આવાસ રાજગૃહમાં કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડ કરી છે. આવાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે અને અજાણ્યા લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મહારાષ્ટ્રના અનિલ દેશમુખે જણાવ્યું છે કે, મેં પોલીસને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

સાથે જ આરોપીઓની ધરપકડડ કરવા પણ જણાવ્યું છે. દેશમુખે જણાવ્યું છે કે, દાદરમાં આંબેડકરના આવાસ પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા કરાયેલ હુમલો નિંદનીય છે. બંગલાના કેરટેકરે પોલીસને જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ મંગળવારે સાંજે છ વાગ્યે પરિસરમાં તોડફોડ કરી હતી. રાજ્યના અન્ય મંત્રી જયંતા પાટિલ અને ધનંજય મુંડેએ પણ આ ઘટનાની નિંદા કરી છે. આ ઉપરાંત ડોક્ટર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે લોકોને શાંતિ જાળવી રાખવા અને રાજગૃહની બહાર ભેગા નહીં થવાની અપીલ કરી છે.

(7:39 pm IST)