Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દેશમાં એપ્રિલથી જ વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન

કોરોનાને લઈને સરકારના ઈન્કાર વચ્ચે થયેલો સનસનીખેજ ખૂલાસોઃ એપ્રિલ ૨૦૨૦થી જ સામુદાયિક સ્તર પર આ વૈશ્વિક મહામારીનો પ્રસાર દેશના વિવિધ ભાગોમાં થઈ રહ્યો છેઃ સરકારના જ આરોગ્ય મંત્રાલયના એક દસ્તાવેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખુલાસો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા. ૮ :. કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાઓ વચ્ચે કેન્દ્ર સરકાર ભલે કોમ્યુનિટી ટ્રાન્સમિશન/કોમ્યુનિટી સ્પ્રેડની બાબતનો સ્પષ્ટ ઈન્કાર કરતી હોય પરંતુ સામુદાયિક સ્તર પર આ વૈશ્વિક મહામારીનો પ્રસાર એપ્રિલ ૨૦૨૦થી દેશના વિવિધ ભાગોમાં થઈ રહ્યો છે. આ ખુલાસો ગયા સપ્તાહે જારી કરવામાં આવેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક દસ્તાવેજથી થયો છે.

અંગ્રેજી વેબસાઈટ ધ પ્રિન્ટના રીપોર્ટમાં જણાવાયા અનુસાર ૪થી જુલાઈના રોજ 'ગાઈડન્સ ફોર જનરલ મેડીકલ એન્ડ સ્પેસ્યાલાઈઝડ મેન્ટલ હેલ્થ કેર સેટીંગ'ના નામથી જારી દસ્તાવેજમાં જણાવાયુ છે કે ભારતમાં કોરોનાના સિમીત કોમ્યુનિટી સ્પ્રેડના તબક્કામાં છે અને કોઈપણને એ બાબતનો અંદાજ નથી કે આ મહામારી કઈ રીતે ફેલાય રહી છે. આ દસ્તાવેજનુ પ્રકાશન એપ્રિલ ૨૦૨૦ના પ્રારંભે થયુ હતું.

ચોંકાવનારી બાબત એ છે આ દસ્તાવેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની જે વાત જણાવવામાં આવી છે તેનાથી કેન્દ્ર સરકાર સાવ ઉલટ છે. આવુ એટલા માટે કે ૧૧ જૂન ૨૦૨૦ના રોજ કોરોના અંગે ૬૫ જિલ્લાઓમાં કરવામાં આવેલા શેરો સર્વેના પરિણામો જાહેર કરતા આઈસીએમઆરના વડા ડો. ભાર્ગવે કોમ્યુનિટીમાં પ્રસારની વાત નકારી કાઢી હતી. તેમણે કહ્યુ હતુ કે આવડા મોટા દેશમાં ફેલાવો ઘણો ઓછો છે. શેરો સર્વે અનુસાર ત્યાં સુધી દેશની ૦.૭૩ ટકા વસ્તી સંક્રમિત થઈ હતી.

ભારત કોરોનાના વધતા કેસો વચ્ચે ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. ડબલ્યુએચઓ અનુસાર કોમ્યુનિટી ટ્રાન્સમિશનની પુષ્ઠી ત્યારે થાય છે

જ્યારે કેસ પકડમાં ન રહેતા તે મોટા સ્તર પર સંક્રમણની ચેનને પોઝીટીવ કેસ વધારતા આગળ ચાલતા હોય છે. અમેરિકી સેન્ટરના જણાવ્યા પ્રમાણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે સંક્રમણના સ્તોત્ર અંગે જાણવા મળતુ નથી તે આખરે કયાંથી ફેલાય રહ્યો છે.

(11:04 am IST)