Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાથી માતાનું થયું મોત

દીકરાએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી

જમશેદપુર/રાંચી, તા.૮: કોરોના વાયરસની મહામારીના સમયમાં સામાજિક સંબંધોમાં પણ તિરાડ જોવા મળી રહી છે. લોકોમાં કોરોના વાયરસનો ડર છેક અંદર સુધી દ્યર કરી ગયો છે. કેટલાંક લોકો એ હદે લાગણી વગરના થઈ ગયા છે કે એક દીકરાએ કોરોના સંક્રમિત માતાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ઝારખંડના જમશેદપુરની છે કે જયાં દીકરાએ માતાના શબને કાંધ આપવાની ના પાડી દીધી.

ઝારખંડના જમશેદપુરમાં કોરોના વાયરસ સંક્રમિત મહિલાનું મોત થતા તેમના પરિવારના સભ્યો પણ દૂર થઈ ગયા. અહીં સુધી કે આ મહિલાના દીકરાએ પણ અંતિમ સંસ્કારમાં આવવા માટે ના પાડી. દીકરાએ માતાના શબને કાંધ આપવાની પણ ના પાડી અને વહીવટીતંત્રને વિનંતી કરતા કહ્યું કે તેઓ માતાના અંતિમ સંસ્કાર કરી દે. મારી માતાના શબ સાથે હવે મારે કોઈ લેવાદેવા નથી. પરંતુ, લોકોના કહેવાથી જયારે દીકરો સ્મશાન ઘાટ આવ્યો ત્યારે અંતિમ સંસ્કારના કાર્યક્રમથી દૂર રહ્યો.

સ્મશાન ઘાટ પર હાજર અન્ય લોકોએ જણાવ્યું કે અધિકારીઓએ જયારે આ દીકરાને કહ્યું કે તેઓ પીપીઈ કિટ પહેરીને માતાના શબ સુધી જઈ શકે છે તો પણ દીકરાએ ના પાડી. કોઈપણ પ્રકારના રીતિ-રિવાજ વિના મૃતકના ઈલેકિટ્રક શબગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા.

(10:19 am IST)