Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

લોકોને સમૃધ્ધ ઇતીહાસ જાણવાની તક મળશે

ગોપનાથ-દ્વારકા-વેરાવળ સહિત દેશભરની ૧૯૪ દીવાદાંડીઓને 'પર્યટન આકર્ષણ' તરીકે વિકસાવાશે

નવી દિલ્હી, તા.૮: પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે હેતુથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની ૩ સહિત દેશભરની કુલ ૧૯૪ જેટલી દીવાદાંડીઓને મુખ્ય પર્યટન આકર્ષણ તરીકે વિકસિત કરવાની યોજના બની છે. આ માટે તેમણે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને દીવાદાંડીના ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતી.

શિપિંગ મિનિસ્ટ્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળની દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા માટેની ચર્ચા પણ મંત્રીએ કરી હતી.

જે દીવાદાંડી ૧૦૦ વર્ષ કરતાં જૂની છે, તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. માંડવિયાએ કહ્યું કે, 'આમ કરવાથી દીવાદાંડીઓ અને આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃતિઓને વેગ મળશે તેમજ લોકોને દીવાદાંડીના સમૃદ્ઘ ઈતિહાસ વિશે જાણવાની તક મળશે'.

અધિકારીઓએ દીવદાંડીઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિગતવાર એકશન પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ જે દીવાદાંડી ૧૦૦ વર્ષ કરતાં જૂની છે તેની ઓળખ કરવાની સૂચના પણ અધિકારીઓને આપી હતી. તેમણે ઈતિહાસ દર્શાવતા મ્યૂઝિયમ ઉભા કરવા માટે અને દીવાદાંડીઓ પર કામ કરવા માટે તેમજ તેની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પર વધારે ભાર મૂકયો હતો.

દીવાદાંડીઓના વિકાસના માસ્ટર પ્લાન મુજબ મ્યૂઝિયમ, એકવેરિયમ, બાળકો માટે પ્લે એરિયા અને ગાર્ડન જેવા અન્ય મુખ્ય આકર્ષણના કેન્દ્રો પણ હશે.

મંત્રીએ પ્રોજેકટ પર વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવા માટે અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા. આ બેઠકમાં સેક્રેટરી, શિપિંગ મંત્રાલયના અધિકારીઓ અને લાઈટહાઉસ (દીવાદાંડી)ના ડીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:19 am IST)