Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મુંબઈમાં હુમલાના માસ્ટર માઈન્ડ લખવીને ૧૫ વર્ષની કેદ

આતંકવાદીઓને મદદ કરવા, નાણાં આપવાનો આક્ષેપ : પાક.ની કોર્ટે ૨૬/૧૧ હુમલાનું ષડયંત્ર રચનારા તોયબાના આતંકીને ૨૦૦૮માં વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરાયો હતો

નવી દિલ્હી, તા. ૮ : મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર કમાંડર ઝકીઉર રહેમાન લખવીને ૧૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનની કોર્ટે આ ચુકાદો આપ્યો છે. તાજેતરમાં જ તેની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. લખવી પર આતંકવાદીઓની મદદ કરવા તેમજ નાણાં આપવાના આક્ષેપ હતા. હાફિઝ સઈદ સાથે મળીને લખવીએ ૨૬/૧૧ મુંબઈ હુમાલનું ષડયંત્ર રચ્યું હતું.

લખવીને આતંકવાદીઓને મદદ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. અગાઉ સીટીડીએ જણાવ્યું હતું કે, લખવી પર એક ક્લિનિક ચલાવવા, તેમાંથી મેળવેલા ભંડોળનો ટેરર ફંડિગ માટે ઉપયોગ કરવાનો આક્ષેપ છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ લશ્કર-એ-તોઈબાના ૧૦ આતંકવાદીઓ મુંબઈમાં દરિયાઈ માર્ગે ઘૂસ્યા હતા અને તેમણે બોમ્બ બ્લાસ્ટ તેમજ બેફામ ગોળીબાર કરીને શહેરને બાનમાં લીધું હતું. તાજ હોટેલ તેમજ વી ટી સ્ટેશન સહિતના સ્થળો પર આતંક મચાવ્યો હતો જેમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા હતા તેમજ ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. મુંબઈ હુમલો ભારતની આર્થિક રાજધાની પર સૌથી ઘાતક હુમલો રહ્યો છે જેને યાદ કરીને આજે પણ લોકોની કંપારી છૂટી જાય છે. તોયબા સાથે સંકળાયેલા પાકિસ્તાનના એક આતંકવાદીને ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી ઝડપી લેવાયો હતો. પાકિસ્તાનમાં પંજાબના મિયાનવાલી ક્ષેત્રના મોહલ્લા મિયાનીમાંર હેતા મોહમ્મદ વકાર અવાનને શરૂઆતમાં હથિયારની ટ્રેનિંગ ૨૬/૧૧ના માસ્ટરમાઈન્ડ ઝકીઉર રહેમાન લખવીએ આપી હતી. યુએને લશ્કરે-તોઈબા, અલ કાયદા સાથે જોડાણ, ટેરર ફંડિંગ, ષડયંત્ર, મદદ કરવા બદલ લખવીને ડિસેમ્બર ૨૦૦૮માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. જેને પગલે પ્રતિબંધિત આતંકવાદી તેમજ સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાની, ટ્રાવેલ બેન, બીજા દેશોની મુસાફરી પર પ્રતિબંધ જેવી કડક જોગવાઈઓ લાગુ પડે છે.

(9:04 pm IST)