Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

પરિવારના મહત્વના નિર્ણયોમાં વડીલોનું મહત્વ હજુ પણ છે

અલગ રહેતા હોય તો પણ લે છે નિર્ણય

નવી દિલ્હી,તા. ૮: પરિવારમાં વડીલોની ઉપેક્ષા બાબતે ઘણી વાર પ્રશ્નો ઉભા થતા હોય છે પણ એક દેશવ્યાપી અભ્યાસથી જાણવા મળ્યું છે કે બાળકોના અભ્યાસ, લગ્ન અને સંપતિના ખરીદ વેંચાણમાં વડીલોની ભૂમિકા આજે પણ નિર્ણાયક બનેલી છે.

અભ્યાસના પરિણામોથી સાબિત થાય છે કે પરિવારની આર્થિક સ્થિતી ગમે તેવી હોય પણ વડીલો પરિવાર માટે સર્વોપરી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સીઝના અભ્યાસ 'લોંગીટ્યુડનલ ' એજીંગ સ્ટડી ઓફ ઇન્ડિયા (એલએસઆઇ)માં વડીલો બાબતે ઘણી માહિતીઓ એકઠી કરવામાં આવી છે. આ અભ્યાસ દેશભરમાં લગભગ ૭૫ હજાર વડીલો સાથેની વાતચીત પર આધારિત છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, દિકરા અથવા દીકરીના લગ્ન અંગેના કિસ્સાઓમાં ૯૨ ટકા નિર્ણયો વડીલો કરે છે. આવી જ રીતે સંપતિના ખરીદ વેચાણ અંગેના નિર્ણયોમાં તેમની ભાગીદારી ૯૦ ટકા અને શિક્ષણ બાબતમાં નિર્ણયોમાં ૮૩ ટકા જોવા મળી છે. સર્વે દરમ્યાન ૭૪.૮ ટકા વડીલોએ પોતાની રહેવાની વર્તમાન વ્યવસ્થા બાબતે સંતોષ વ્યકત કર્યો છે. જ્યારે ૪૩.૯ ટકા વડીલો પોતાના જીવન અને સામાજીક સ્થિતીથી સંપૂર્ણ સંતુષ્ઠ છે. લગભગ ૨૮.૭ ટકા વડીલો ઇન્દીરાગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન અને ૨૩.૭ ટકા બુઝર્ગ મહિલાઓ ઇન્દીરા ગાંધી વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવે છે.

રિપોર્ટ દર્શાવે છે કે ૪૦.૬ ટકા વડીલો જ પોતાના બાળકો સાથે રહી રહ્યા છે. પણ અલગ રહેવા છતાં તેઓ પરિવારમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. ૨૦ ટકા વડીલો પત્ની અથવા પતિ સાથે રહે છે. ૨૭.૬ ટકા વડીલો એવા છે જે બાળકો અથવા અન્ય લોકો સાથે રહે છે જ્યારે ૫.૭ ટકા વડીલો સાથે એકલા રહે છે.

(3:09 pm IST)