Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સરકારના ઓર્ડરની જોવાતી રાહઃ કોવીશીલ્‍ડ અને કોવૈકસીન સપ્‍લાય માટે તૈયાર

વેકસીનનું કાઉન્‍ટડાઉન શરૂઃ આજે તમામ ઔપચારીકતાઓ પુરી કરી લેવાશેઃ હવે શરૂ થશે વિશ્વની સૌથી મોટી વેકસીન સપ્‍લાયનું અભિયાન : સૌ પહેલા ૧૦ કરોડ વેકસીન ડોઝનો ઓર્ડર અપાશેઃ પહેલા ૪ ડેપોમાં રખાશે વેકસીનઃ દેશભરમાં કંટ્રોલ રૂમ ઉભા કરાયા જે ૨૪ કલાક કામ કરશેઃ બન્ને કંપનીઓ ઓર્ડર મળ્‍યાના દિવસે જ વેકસીનની સપ્‍લાય કરવા તૈયાર

નવી દિલ્‍હી, તા. ૮ :. લોકોની ઈન્‍તેજારીનો હવે અંત નજીક છે. કોરોના સામેનો જંગ જીતવાની તૈયારીઓ થઈ રહી છે. હવે રસીકરણનું કાઉન્‍ટડાઉન શરૂ થઈ ચુકયુ છે. કંપનીઓ સરકારના ઓર્ડરની રાહ જોઈ રહી છે. વેકસીનની સપ્‍લાય કરવા માટે કોવિશિલ્‍ડ અને કોવૈકસીનનો જથ્‍થો તૈયાર છે. કોરોના વેકસીનની જથ્‍થાબંધ ખરીદી માટે ઉચીત પ્રક્રિયા અને સર્ટીફીકેશનની તૈયારી આજે પુરી થઈ છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે પીએમ કેયર્સ ફંડમાથી પહેલા ૧૦ કરોડ વેકસીનનો ડોઝ ખરીદવા નિર્ણય લેવાયો છે. પહેલા પહેલ ઓકફર્ડ યુનિ. અને અસ્‍ટ્રાજેનેકા તરફથી વિકસીત કોવિશિલ્‍ડના ડોઝ આપવામાં આવશે જેનુ ઉત્‍પાદન સીરમે કર્યુ છે. સૌ પહેલા ૧૦ કરોડ વેકસીનના ડોઝનો ઓર્ડર અપાશે. જો કે ભારત બાયોટેકની કોવૈકસીનના ઓર્ડરને પણ મંજુરી અપાશે.

સપ્‍લાયનો ઓર્ડર મળતા જ કંપનીઓ કરનાલ, મુંબઈ, ચેન્નઈ અને કોલકતાના ૪ મુખ્‍ય ડેપોમાં વેકસીન મોકલી દેવાશે. ત્‍યાંથી રાજ્‍યો દ્વારા બનાવવામાં આવેલા ૩૮ વેકસીન સ્‍ટોર સુધી પહોંચાડાશે. ત્‍યાંથી રાજ્‍યો જિલ્લા સુધી પહોંચાડશે અને ત્‍યાંથી પ્રાથમિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રો પછી હોસ્‍પીટલોમાં બનાવવામાં આવેલા કેન્‍દ્રો સુધી વેકસીન પહોંચાડાશે. સમગ્ર પ્રક્રિયા રીયલ ટાઈમ મોનીટરીંગ કોવિન પ્‍લેટફોર્મ પર થશે.

મહારાષ્‍ટ્રના પૂણે સ્‍થિત સીરમ ઈન્‍સ્‍ટીટયુટમાં કોરોના વેકસીન કોવિશિલ્‍ડ તૈયાર છે અને ત્‍યાંથી સપ્‍લાયની વ્‍યવસ્‍થા પણ થઈ ચુકી છે. પૂણે એરપોર્ટ પર પણ તૈયારી પુરી કરી લેવામા આવી છે. આ સાથે વિશ્વના સૌથી મોટી વેકસીન સપ્‍લાયનું અભિયાન શરૂ થશે. સીરમના ડાયરેકટર સુરેશ જાદવનુ કહેવુ છે કે અમે ૫ કરોડ ડોઝ તૈયાર રાખ્‍યા છે. જે દિવસે સરકાર ઓર્ડર આપશે તે જ દિવસે ઓર્ડર પહોંચાડી દેવાશે.

દેશભરમાં કંટ્રોલ રૂમની ચેઈન તૈયાર કરવામાં આવી છે. જેમા એક એક રાજ્‍ય સ્‍તર પર જ્‍યારે ૭૦૦થી વધુ જિલ્લા સ્‍તર પર કામ કરશે. જે ૨૪ કલાક કામ કરશે.

(10:51 am IST)