Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જૂ મારવાની દવાથી કોરોના વાયરસમાં મૃત્યુદર ઘટી શકે

બ્રિટનની લિવરપુલ યુનિવર્સિટીના સંશોધનમાં દાવો

લંડન,તા. ૮:  કોરોના વાયરસના પ્રકોપનો સામનો કરી રહેલા વિશ્વ માટે એક સુખદ સમાચાર આવ્યા છે. જૂ મારવામાં ઉપયોગમાં લેવાતી દવાથી કોરોના વાયરસથી મરતા લોકોની સંખ્યામાં ૮૦ ટકા ઘટાડો થયો છે. આ ચમત્કારિક દવાનું નામ Ivermectin છે. આ દવાના ઉપયોગથી હોસ્પિટલમાં કોરોનાથી મરતા લોકોની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોધાયો છે. એક સારી વાત એ છે કે જૂ મારવાની દવા પ્રમાણમાં ખૂબ સસ્તી છે.

શોધ દરમિયાન જે ૫૭૩ દર્દીઓને આ દવા આઈવરમેકટીન આપવામાં આવી, એ પૈકી ફકત ૮ લોકોના મોત થયા છે. જયારે ૫૧૦ લોકોને આ દવા આપવામાં ન આવી તો એ પૈકી ૪૪ લોકોના મોત થયા છે.આ પહેલા એપ્રિલમાં આવેલા રીસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે પરજીવીઓથી બચાવતી આ દવાએ કોરોના સામેના જંગમાં ખૂબ સારું પરિણામ આપ્યું છે. માત્ર એક ડોઝથી ૪૮ કલાકમાં તમામ અંદરના વાયરલ આરએનએ ખત્મ થઈ ગયા હતા.

લિવરપૂલ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ એન્ડ્યૂ હિલે નવા રીસર્ચને કોરોના વાયરસની સારવાર શોધવાની દિશામાં શાનદાર ગણાવી છે. લગભગ ૧૪૦૦ દર્દીઓ પર કરાયેલા સંશોધન બાદ આ ડેટાને જાહેર કરવામાં આવ્યો છે. જોકે, હાલ આ વૈજ્ઞાનિકોની શોધનો ડેટા સમીક્ષા પર છે, જે જાહેર કરવામાં આવ્યો નથી. લિવરપૂલ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ એન્ડ્યૂ હિલે કહ્યું કે જો ટ્રેન્ડ સ્ટડીમાં પણ દેખાશે તો ચોક્કસ પણે આ દવા સારવારમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

(10:46 am IST)