Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વિશ્વમાં વૈજ્ઞાનિક શોધખોળ મામલે ભારત ત્રીજા સ્થાને

પહેલા સાયન્સમાં પશ્ચિમી દેશોની બોલબાલા હતી, પણ છેલ્લા ચાર દાયકામાં એશિયાના દેશોએ પણ વિજ્ઞાન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

નવી દિલ્હી,તા. ૮: વિશ્વભરમાં વિજ્ઞાન ક્ષેત્રે નિતનવા પ્રયોગો થઇ રહ્યા છે. દરેક દેશ ટેકનોલોજી, વિજ્ઞાન અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં નવા લક્ષ્ય હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. પહેલા સાયન્સમાં પશ્ચિમી દેશોની બોલબાલા હતી, પણ છેલ્લા ચાર દાયકામાં એશિયાના દેશોએ પણ વિજ્ઞાન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ દેશો હવે પશ્ચિમી દેશો સાથે હરીફાઇ કરી રહ્યા છે. આટલું જ નહીં, એશિયન દેશોએ આ મામલે કેટલાય યુરોપિયન દેશોને પાછળ રાખ્યા છે. આ શ્રેણીમાં ભારત અને ચીન જેવા દેશો ઝડપથી હરણફાળ ભરી રહ્યા છે. અમેરિકી નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (એનએસએફ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા આ વાતની પુષ્ટિ પણ કરે છે.

એનએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ૨૦૧૮માં સાયન્સ અને એન્જિનિયરિંગના કુલ ૨,૫૫૫,૯૫૯ લેખો પ્રકાશિત થયા છે. દર વર્ષ પહેલા આ આંકડો ૧,૭૫૫,૮૫૦ હતો.

છેલ્લા ચાર વર્ષમાં આ ક્ષેત્રે ચાર ટકાનો ગ્રોથ નોંધાયો છે. આ મામલે ચીન અને ભારતની પ્રગતિ શાનદાર છે. ૨૦૦૮માં અમેરિકા પહેલા ક્રમે હતો. તો ૨૦૧૮માં ચીન પહેલા ક્રમાંકે પહોંચી ગયું હતું. અને ભારત ત્રીજા સ્થાને હતું, જ્યારે અમેરિકા બીજા ક્રમાંકે છે.

એનએસએફના ડેટા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૦૦માં ૨૧,૭૭૦ લેખ પ્રકાશિત થયા હતા. જેમાં સતત વધારો થતો રહ્યો છે. ૨૦૦૫માં એ વધીને ૩૩,૫૧૬ થયા હતા. ૨૦૧૦માં એ આંકડો વધીને ૬૨,૪૩૬ થયા હતા. ૨૦૧૫માં ૧,૦૧,૮૧૩ થયા હતા અને ૨૦૧૮માં એ વધીને ૧,૩૫,૭૮૮ થઇ ગયા હતા.

(10:44 am IST)