Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મુંબઇ : બેસ્ટની હડતાળથી અંધાધુંધી , લોકો અટવાયા

મુંબઇમાં માર્ગો પર જોરદાર સન્નાટો જોવા મળ્યો : કર્મચારી સેવા આવાસ અને ભરતીને લઇ પણ માંગ થઇ

મુંબઇ,તા. ૮ : અલગ અલગ માંગોને લઇને મુંબઇમાં આજે બેસ્ટની હડતાળના કારણે સેવા ખોરવાઇ ગઇ હતી. લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા.  બેસ્ટની હડતાળના કારણે ૨૫ લાખ લોકોને મુશ્કેલી પડી હતી. લાખો યાત્રીઓ અંધાધૂંધીમાં દેખાયા હતા. છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ ખાતે યાત્રીઓને બસ શોધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે માર્ગો પર સવારમાં જોરદાર સન્નાટો જોવા મળ્યો હતો. કેટલાક લોકો બસ સ્ટોપ પર રાહ જોતા નજરે પડ્યા હતા. બેસ્ટ કર્મચારીઓની કેટલીક માંગ રહેલી છે. તેમની મુખ્ય માંગ બેસ્ટ બજેટને બીએમસીના મુળ બજેટમાં સામેલ કરવા માટેની રહેલી છે. આ ઉપરાંત કર્મચારી સેવા આવાસ અને ભરતીને લઇને પણ કેટલીક માંગ કરવામાં આવી ચુકી છે., આજે સંબંધમાં એક્શન કમિટિની બેઠક પણ મળી હતી. તે પહેલા રવિવારના દિવસે બેસ્ટ પરિવહનના કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં મંગળવારના દિવસે હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લાખો લોકોને મુશ્કેલી પડી રહી છે. બેસ્ટના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ હતુ કે ૨૭ ડેપોમાં ૧૮૧૨ બસ મોર્નિંગ સેવા માટે મુકવામાં આવી હતી. જો કે એક પણ બસ ડેપોમાંથી બહાર નિકળી શકી નથી. તે પહેલા બેસ્ટના અધિકારીઓએ નિવેદન જારી કરીને સાતમી જાન્યુઆરીના દિવસથી કોઇને રજા ન આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્ર સરકારે બેસ્ટની બે સર્વિસને એસ્મા હેઠળ સામેલ કરી છે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો કોઇ કર્મચારી યુનિયન સાતમી જાન્યુઆરીની રાત્રી ગાળાથી હડતાળમાં સામેલ થઇ જશે તો તેની સામે પણ એસ્મા લાગુ કરવામાં આવનાર છે. કર્મચારીઓની કેટલીક માંગો જુની છે.

(7:33 pm IST)