Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સવર્ણોને અનામતનો નિર્ણય ગેમ ચેન્જર સાબિત થશે

સવર્ણોની નારાજી દૂર કરવાનો પ્રયાસ બુમરેંગ પણ બની શકે

નવીદિલ્હી તા.૮ : ચુંટણીના થોડા સમય પહેલા જ સવર્ણો માટેની અનામતની  જાહેરાત એવુ સાબિત કરે છે કે ભાજપા છેલ્લી વિધાનસભા ચુંટણીમાં ત્રણ રાજયોમાં હારનું મોટુ કારણ સવર્ણોના ગુસ્સાને માને છે. સવર્ણોને આનાથી કેટલો ફાયદો થશે તે તો પછીની વાત છે. પણ સરકારના આ પગલાથી સવર્ણો મતદારો ચર્ચામાં આવી ગયા છે. એટલે જ ગરીબ સવર્ણોને અનામતની જાહેરાત થતા જ કોંગ્રેસ સહિત મોટાભાગના સવર્ણોએ તેનું સ્વાગત કરવામાં વાર નથી લગાડી.

સવર્ણોને અનામતનો નિર્ણય સરકાર ગેમ ચેન્જર માની રહી છે. સરકાર સાથે જોડાયેલા ઉચ્ચ પદસ્થ સુત્રોનુ માનવું છે કે ત્રણ રાજયોની વિધાનસભા ચુંટણીમાં પક્ષની હાર પાછળનું એક કારણ સવર્ણોની નારાજી છે. ચુંટણી પહેલા સુપ્રિમ કોર્ટે એસસી, એસટી બાબતે આપેલ ચુકાદો બદલાવવા માટે સરકારે કાયદો બનાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એસસી- એસટી એકટ હેઠળ ફરજીયાત ધરપકડને બંધ કરી હતી. પણ સરકારે કાયદો બનાવીને તેને ફરીથી અનિવાર્ય બનાવી હતી. માનવામાં આવે છે કે, આના કારણે સવર્ણો નારાજ થયા હતા.

ભાજપાનું આ પગલુ સવર્ણોની ઉપરોકત નારાજી દૂર કરવાની કોશીષના રૂપમાં જોવાઇ રહી છે. આર્થિક આધાર પર અનામતની માંગણી દાયકાઓ જૂની છે. પણ કોઇ કેન્દ્ર સરકારે આના પર વિચાર નહોતો કર્યો. આને મોદી સરકારનું એક સાહસિક પગલુ ગણવામાં આવે છે. કેમ કે એસસી - એસટી અને ઓબીસી સિવાયના ગરીબો માટે અનામતની જોગવાઇઓ મામુલી પગલુ નથી. કોઇને તેને ટેકો આપીને પોતાની સ્થિતિ સાફ કરી દીધી છે. એટલુ તો નકકી છે કે કોઇપણ પક્ષ આનો વિરોધ નહી કરી શકે પણ બંધારણીય ફેરફાર માટેનો ખરડો નહી રોકે તેની કોઇ ગેરંટી નથી.

એક તીરથી ઘણા નિશાન

આ નિર્ણય સવર્ણોની નારાજી દૂર કરે છે તો તે ગરીબી વિરૂધ્ધ ઉઠાવાયેલુ પગલુ પણ છે. આ નિર્ણયના વર્તુળમાં ઉચ્ચ જાતિઓની લગભગ ૬૦-૬૫ ટકા વસતી આવશે એટલે તેનો ફાયદો ચુંટણીમાં થશે.

બુમરેંગ ન બને

સતાધારી પક્ષે એ ધ્યાન રાખવુ પડશે કે વિરોધપક્ષો એવો સંદેશ ન ફેલાવે કે આ સરકાર ઉચ્ચ વર્ણોની તરફેણ કરે છે અને આજે નહી તો કાલે પછાત જાતીઓમાં અનામત કવોટા પર કાપ મૂકાઇ શકે છે.

(3:40 pm IST)