Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બેલેસ્ટીક રિપોર્ટ પ્રોફેશ્નલ કીલર ગેંગ પર પ્રકાશ પાડશેઃ રાજકોટના ડીવાયએસપી પિયુષ પીરોજીયા તપાસમાં જોડાયા

કચ્છના પુર્વ ધારાસભ્ય જયંતીભાઇની હત્યાના મામલામાં રેલ્વે ડીજીપી આશિષ ભાટીયા દ્વારા ત્રિસ્તરીય તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૮: કચ્છ અબડાસાના પુર્વ ધારાસભ્ય અને ભાજપના ઉપાધ્યક્ષ અને વિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવતા જયંતીભાઇ ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં ટ્રેન નં. ૧૯૧૬ના એસી કોચમાં મુંબઇ જઇ રહયા હતા તેવા સમયે રાત્રીના ર વાગ્યે કટારીયા સુરજબારી સ્ટેશન વચ્ચે આંખ અને છાતીમાં ગોળી મારી હત્યા કરવાના બનાવથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડીજીપી શિવાનંદ ઝા વિ.પાસેથી પ્રાથમીક હકિકત મેળવી હતી.

હત્યાનો બનાવ રેલ્વેની હદમાં બન્યો હોવાથી ઘટનાની ગંભીરતા સમજી મોડી રાત્રે મેસેજ મળવાની સાથે જ સીઆઇડી ક્રાઇમ સાથે રેલ્વે પોલીસનો રાજયભરનો હવાલો ધરાવતા આશિષ ભાટીયાએ તાત્કાલીક માળીયા સ્ટેશને કે જયાં ટ્રેન રોકવામાં આવી હતી તે સ્થળે રેલ્વે પોલીસના ડીઆઇજી શ્રી પરમાર તથા રેલ્વે એસપી ભાવનાબેન પટેલને પહોંચી જવા આદેશ કરતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

જે એસી કોચમાં આ ઘટના ઘટી તે એસી કોચને ટ્રેનથી અલગ પાડી અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન લઇ આવી તેની ફોરેન્સીક તપાસ કરાવવાનું ડીજી કક્ષાના સીઆઇડી અને રેલ્વે વડા આશિષ ભાટીયાએ આ મહત્વની તપાસમાં રાજકોટ રેલ્વેના વિભાગીય વડા પિયુષ પીરોજીયા કે જેઓ ભુતકાળમાં અનેક અટપટા ગુન્હાનો ભેદ ઉકેલી ચુકયા છે. તેમને પણ તપાસમાં સામેલ  કરવા તાકીદનું તેડુ મોકલ્યું હતું. યોગાનુયોગ પિયુષ પીરોજીયા અમદાવાદ એક અગત્યની બેઠકમાં હાજર હોય તેઓ તુર્ત જ તપાસમાં સામેલ થઇ ગયા છે.

એફએસએલ દ્વારા ચાલતી તપાસમાં બેલેસ્ટીક એક્ષપર્ટ પણ જોડાયા છે. બેલેસ્ટીક  એક્ષપર્ટ અત્યારે એ શોધી રહયા છે કે હત્યામાં વપરાયેલ રિવોલ્વર કયા બોરની હતી? રિવોલ્વરમાંથી ગોળી  પોઇન્ટ બ્લેન્કથી  છોડી આંખ અને છાતી પર ગોળી ચલાવાઇ  તે રિવોલ્વર પર સાયલન્સર હતું કે શું? જયંતીભાઇ ભાનુશાળી સાથે મુસાફરી કરતા પવન નામના યુવાન કે જે હત્યા સમયે બાથરૂમ ગયેલ તેણે ફાયરીંગના અવાજ કેમ ન સાંભળ્યા? તેની તપાસ ચલાવાઇ રહી છે.

બેલેસ્ટીક એક્ષપર્ટના અભિપ્રાયના પગલે તપાસનીસ ટીમ આ પ્રકારના હથિયાર કઇ પ્રોફેશ્નલ કીલર ગેગ વાપરે છે?  તે સ્પષ્ટ થતા જ તપાસની દિશામાં વધુ પ્રકાશ પડશે.

દરમિયાન જેના પર એક યુવતીના શોષણના આક્ષેપ થયેલ તે મામલા પર પણ પોલીસ ફોકસ કરવા સાથે જયંતીભાઇના પત્ની અને ભાઇએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અગ્રણી છબીલભાઇ પટેલ પર હત્યાના આરોપ લગાવ્યા છે. છબીલભાઇ પટેલનો એક જુનો વિડીયો કે જેમાં છબીલભાઇ  કંઇ ચિંતા ન કરવા અને હાથથી રિવોલ્વરની નિશાની બતાવી મોઢેથી ગોળી છુટવાના જે એકશન કરે છે તે વિડીયોની પણ તપાસ થનાર હોવાનું સુત્રો જણાવે છે. (૪.૭)

(3:35 pm IST)