Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજસ્થાનમાં ગેહલોત સરકાર અનિલ અંબાણી અને અદાણીને આપશે ઝટકો :MOU રદ્દ કરે તેવી શકયતા

વસુંધરા સરકારના 200થી વધુ એમઓયુ રદ કરવા તૈયારી :કામ શરૂ નહીં થતા કંપનીઓને નોટિસ આપશે

જયપુર: રાજસ્થાનમાં બિરાજમાન થયેલી કોંગ્રેસ સરકાર હવે વસુંધરા સરકાર દરમિયાન થયેલા ૨૦૦થી વધુ MOU રદ્દ કરવા જઈ રહી છે અને તેનો સીધો ઝટકો અનિલ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓની કંપનીઓને લાગવા જઈ રહ્યો છે.

  વર્ષ ૨૦૧૫માં ભાજપની સરકાર દરમિયાન આયોજિત કરાયેલી રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં કુલ ૩.૩૭ લાખ કરોડ રૂપિયાના ૪૭૦ MOU થયા હતા, પરંતુ આ MOU માંથી ૩૪૦થી વધુ પર હજી સુધી કોઈ કામકાજ શરુ થયું નથી, ત્યારે આ MOUને સરકાર રદ્દ કરી શકે છે.

  ગેહલોત સરકારમાં ઉદ્યોગ મંત્રી પરસાદી લાલ મીણાના જણાવ્યા અનુસાર, "૨૦૧૫ની ઇન્વેસ્ટર સમિટ પછીના ત્રણ વર્ષ બાદ માત્ર ૧૨૪ MOU છે, જેના પાર કામ શરુ થયું છે. આ MOUથી રાજસ્થાનને ૧૨ હજાર કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે, પરંતુ મોટી કંપનીઓએ હજી સુધી કોઈ કામ શરુ કર્યું નથી".

  તેઓએ વધુમાં કહ્યું, "MOU પર કામ શરુ નહિ થવા અંગે કંપનીઓને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ પણ જો કામ શરુ નહિ થાય તો MOU રદ્દ થઈ જશે"

(1:29 pm IST)