Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોદીના ''અનામતાસ્ત્ર'' સામે વિપક્ષોની બોલતી બંધ

વિપક્ષો ભેખડે ભરાયાઃ વિરોધ કઇ રીતે કરવો?

નવી દિલ્હી તા.૮: આગામી લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદીએ સામાન્ય વર્ગને શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો મહત્વનો પાસો ફેંકયો છે. સરકારના દરેક પગલાનો વિરોધ કરતાં વિરોધપક્ષો માટે પણ આનો વિરોધ કરવો મુશ્કેલ બનશે કેમ કે બસપા પ્રમુખ માયાવતીથી માંડીને ટીડીપી સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડુ સુધીના આર્થિક આધારે સામાન્ય વર્ગને અનામત આપવાની માંગણી વારંવાર કરતા રહ્યાં છે.

બસપા સુપ્રિમો માયાવતી ઘણીવાર બિનપછાત જાતિના ગરીબોને અનામત આપવાની માંગણી કરી ચુકયા છે. ૨૦૧૧માં ત્યારના વડાપ્રધાન મનમોહનસિંહને લખેલા પત્રમાં માયાવતીએ સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગરીબ સવર્ણોને અનામત આપવાની માંગણી કરી હતી.

તેમણે તેના માટે બંધારણના પરિશિષ્ટ ૯માં સુધારો કરીને આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવાનું કહયું હતું. જેથી તેને કોર્ટમાં પણ ન પડકારી શકાય. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવે તો સવર્ણ જાતિઓને અનામત  આપશે. તેમણે ૨૦૧૫ અને ૨૦૧૭માં પણઆ માંગણી કરી હતી.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા સપાએ સવર્ણ આયોગ અથવા ઉચ્ચ જાતિ આયોગની રચનાનું વચન આપ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીનાં પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પણ ૨૦૧૬ માં સંકેત આપ્યા હતા કે તેમની સરકાર પણ ઉચ્ચ જ્ઞાતિના ગરીબ લોકોને અનામતના દાયરામાં લાવી શકે છે.

થોડા દિવસો પહેલા માકપા નેતા અને કેરળ સરકારમાં પ્રધાન કે સુરેન્દ્રને પણ કહ્યું હતું કે અનામતની વ્યવસ્થા જાતિના બદલે આર્થિક આધાર પર હોવી જોઇએ. લોકશકિત પાર્ટીના નેતા ચિરાગ પાસવાને કહ્યું કે ગરીબીની એક જ જાતિ હોય છે. અમે સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

 

(11:32 am IST)