Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બેંક - વીમા - પોસ્ટ - સહિતના ક્ષેત્રે કામકાજ ઠપ્પ

શ્રમિક સંગઠનોના બે દિવસના મહાઆંદોલનનો પ્રારંભ : ઠેરઠેર દેખાવો - પ્રદર્શનઃ મોદી સરકારની કામદાર વિરોધી નીતિ સામે ૨૦ કરોડ શ્રમિકો હડતાલ ઉપર : બેંક હડતાલથી નાણાકીય વ્યવહારો ઠપ્પ

નવી દિલ્હી તા. ૮ : જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા પડતર પ્રશ્ને બે દિવસીય હડતાલનું એલાન આપ્યું છે. જેના પગલે આજે અને ૯ના બે દિવસ સુધી ગુજરાતમાં બેન્કો, પોસ્ટ, ટેલિગ્રાફ, ફેકટરી, આંગણવાડીઓમાં કામગીરી ઠપ થશે. બંધના સમર્થનમાં રેલી નીકળી છે. હડતાલના પગલે જનજીવન પર વિપરિત અસર પડી છે. બેન્ક, પોસ્ટ, વિમા, કોલસા, સ્ટીલ ઉદ્યોગના કર્મચારીઓ જોડાનાર હોય લોકોને બે દિવસ હેરાન થવું પડશે.

જુદા જુદા ક્ષેત્રના કામદારો દ્વારા લઘુતમ વેતન રૂ.૧૮ હજાર કરવા માગણી કરાઈ છે. પરંતુ અપુરતા વેતન ચુકવીને મજૂરો, કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કીમ એનપીએસના સ્થાને જૂની પેન્શન સ્કીમ રાખવા અને છેલ્લા પગારના મિનિમમ ૫૦ ટકા પેન્શન આપવા તથા ફેમિલી પેન્શન આપવા માગણી છે. બેન્કોમાં પણ પગાર, મર્જર સહિતના પ્રશ્નો છે જેનો કોઈ ઉકેલ આજ સુધી આવ્યો નથી.

બે દિવસ સુધી હડતાલ રહેશે તેમાં ૩૫ ટ્રેડ યુનિયનો જોડાનાર છે. વિરોધ પ્રદર્શનમાં દોઢ લાખ આંગણવાડી અને આશા વર્કરો જોડાય તેવી શકયતા છે. હડતાલનું એલાન ૧૧૭ ટ્રેડ યુનિયનોએ આપ્યું છે. બે દિવસીય હડતાલમાં બેન્કના બે યુનિયન એઆઈબીઈએ અને બીઈએફઆઈના કર્મચારી અને અધિકારીઓ જોડાશે. જો કે સૌથી મોટી બેન્ક એસબીઆઈ, આઈઓબી, બીઓબીના કર્મચારી અને અધિકારીઓ જોડાનાર નથી. બેન્કિંગ ઉદ્યોગના ૯ સંગઠન છે તેમાંથી ૭ સંગઠન હડતાલમાં જોડાયા નથી. મોટા ગજાની ખાનગી બેન્કો પણ જોડાશે નહીં. નાની ખાનગી બેન્કો હડતાલમાં જોડાશે. તે સિવાય સહકારી બેન્કોમાં પણ બે ફાંટા પડી ગયા છે. તેના કારણે અમુક બેન્કો જોડાશે અને અમુક નહીં જોડાય.

અમદાવાદ સિવાય રાજકોટ, જૂનાગઢ, સુરત, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં રેલી, વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આજે કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારની કથિત દમનકારી નીતિઓને લઈને બે દિવસ ભારત બંધની જાહેરાત કરી છે. આ બંધ ૮ અને ૯ જાન્યુઆરીના રોજ રહેશે. ખાસ વાત એ છે કે દેશભરના ખેડૂતો પણ આનુંં સમર્થન કરી રહ્યાં છે. તેઓ દેશના અલગઅલગ ભાગમાં થનારી હડતાળમાં વામપંથી એકમ તત્વાધાનમાં આનું સમર્થન કરશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાર્વજનિક, અસંગઠિત, બેંકિંગ અને વીમા ક્ષેત્રના કર્મચારી, અને પોર્ટના મજૂર દેશ વ્યાપી હડતાળ કરશે. તે આ બંધ દરમિયાન કેન્દ્રીય ટ્રેડ યૂનિયન્સ અને અન્ય ૮ સંગઠનોના નેતૃત્વમાં દેશના આર્થિક સંકટ, વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પોતાનો વિરોધ વ્યકત કરશે.

તો અખિલ ભારતીય ખેડૂત મહાસભાના સચિવ હન્નન મુલ્લાહે જણાવ્યું કે એઆઈકેસ અને ભૂમિ અધિકાર આંદોલને ૮ અને ૯ જાન્યુઆરીના રોજ ક્રમશઃ ગ્રામીણ હડતાળ અને રેલ રોકો, રોડ રોકોનું આહ્વાન કર્યું છે જયારે ટ્રેડ યુનિયન્સે આ દરમિયાન રાષ્ટ્રવ્યાપી બંધ બોલાવ્યું છે. આ પગલું મોદી સરકારની વિફળતાને લઈને ઉઠાવવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. એ જ કારણ છે કે ખેડુતો પણ આ બંધનું સમર્થન કરશે.

૧૦ ટ્રેડ યુનિયનોએ સંયુકત રુપે આ રાષ્ટ્રવ્યાપી બંધની જાહેરાત કરી છે જેમાં આઈએનટીયૂસી, એઆઈટીયૂસી, એચએમએસ, સીઆઈટીયૂ, એઆઈયૂટીયૂસી, એઆઈસીસીટીયૂ, યૂટીયૂસી, ટૂયૂસીસી, એલપીએફ અને એઈવીએનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ તમામ યૂનિયન્સને લગભગ તમામ કેન્દ્રીય કર્મચારિઓ, રાજય કર્મચારીઓ, બેંક વીમાકર્મિઓ, ટેલીકોમ કર્મચારિઓ અમે અન્ય કર્મચારીઓના સ્વતંત્ર મહાસંઘોનું સમર્થન મળ્યું છે.(૨૧.૧૨)

(11:30 am IST)