Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કચ્છ કોંગ્રેસના મંત્રી મહેશ આહીરે જાતે માથામાં ગોળી ધરબી આત્મહત્યાનો પ્રયાસ કર્યોઃ રાજકોટ સારવારમાં

એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ અગાઉ કચ્છ યુનિવર્સિટીના સેનટ પણ રહી ચુકયા છેઃ ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ વતી અંજાર બેઠકના દાવેદાર પણ હતાઃ રવિવારે અંજાર ખાતેની પોતાની ઓફીસમાં લાયસન્સવાળી ગનથી પગલુ ભર્યુઃ કારણ અંગે રહસ્ય

ભુજ તા. ૮: કચ્છ કોંગ્રેસના મંત્રી અને એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ આહિર યુવાન મહેશ ચમનલાલ (ઉ.૩૨-રહે. અંજાર)એ પરમ દિવસે રવિવારે રાત્રે પોતાની અંજાર ખાતેની ઓફિસમાં જાતે જ પોતાની લાયસન્સવાળી ગનથી પોતાના માથામાં ગોળી ધરબી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા છે.

 આ બનાવ વિશે ગઈકાલે બપોરે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહેશ આહીરને પહેલા ગાંધીધામમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ૩૨ વર્ષીય મહેશ આહીર એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ, કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહી ચૂકયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ વતી અંજાર બેઠકની ટિકિટ માટે દાવેદાર પણ હતા. અત્યારે તેઓ જિલ્લા કોંગ્રેસના મંત્રી છે. હાલ અંજાર રહેતા મહેશ આહીર પેટ્રોલપંપ સહિત અન્ય વ્યવસાયો ધરાવે છે. અંજારમાં આવેલી તેમની ઓફિસે જયારે જાતે જ મહેશ આહીરે પોતાની ઉપર ગોળી ચલાવી ત્યારે ઓફિસે અન્ય કોઈ હાજર હતા કે કેમ? આવા સવાલો વચ્ચે આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. વ્યવસાયમાં કોઈ સાથે માથાકૂટ થવાથી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાના તર્કવિતર્કો પણ થઈ રહ્યા છે. મહેશ આહીરના ભાઈ રવિ આહીર પણ અંજારમાં રાજકીય અને સામાજિક રીતે સક્રિય છે. સાચું કારણ મહેશ આહીર ભાનમાં આવ્યા બાદ તેમના નિવેદન બાદ જ ખ્યાલ આવી શકે છે. આ બનાવની તપાસ અંજારના પીઆઇ એચ. એલ. રાઠોડ કરી રહ્યા છે.

રાજકોટ ખાતે પરિવારજનોએ કંઇ જાણતા નહિ હોવાનું કહ્યું

રાજકોટ સ્ટલિંગ હોસ્પીટલ ખાતે મહશ આહિર સારવાર હેઠળ છે. અહિ તેમના ભાઇ સહીતના પરીવારજનોનો સંપર્ક આજે સવારે કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પોતે પણ કારણ અંગે અજાણ હોવાનું અને વિશેષ કોઇ જ માહિતી નહિ હોવાનું કહ્યું હતું. અંજાર પોલીસે વીશેષ તપાસ યથાવત રાખી છે. આ બનાવે કચ્છ-ભુજ-અંજારમાં ભારે ચર્ચા જગાવી છે. (૧૪.૬)

(3:25 pm IST)