Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇ-ફાર્મસીના વિરોધમાં કેમીસ્ટસ દ્વારા હલ્લાબોલ

ઇ-ફાર્મસી દ્વારા દવાનું વેચાણ અને ડીસ્પેન્સીંગ ગેરકાયદેસર હોવાની રજુઆત : રાજકોટનાં ૧૦૦૦ જેટલાં દવાના ધંધાર્થીઓની બેનર-સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી : કલેકટર ઓફિસ તથા ડ્રગ ઓફિસે આવેદન આપી સરકારી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે ગામ હલ્લાબોલ

રાજકોટ તા.૮: ઇ-ફાર્મસી દ્વારા થતું દવાનું વેચાણ અને ડીસ્પેન્સીંગ ગેરકાયદેસર અને જોખમી હોવાની રજુઆત સાથે આજરોજ સમગ્ર ભારતના આશરે ૮.પ લાખ જેટલા દવાના વેપારીઓએ સરકારી તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો. સોૈરાષ્ટ્ર-કચ્છમાં પણ આશરે ૪૫૦૦ જેટલા રીટેલર્સ તથા હોલસેલર્સ ઇ-ફાર્મસીનો રોષભેર વિરોધ કરીને બેનર-સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને સત્તાધીશોને આવેદન પાઠવ્યા હતાં.

રાજકોટના મોટી ટાંકી ચોક ખાતે એક હજાર જેટલાં દવાના ધંધાર્થીઓ (રીટેલર્સ- હોલસેલર્સ) એકઠા થયા હતા અને ત્યાંથી સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢીને કલેકટર ઓફિસ તથા ઓૈષધ અને નિયમન તંત્રની ઓફિસે જઇ આવેદનરૂપે ઇ-ફાર્મસીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

આવેદનમાં જણાવાયું છે કે, (૧)કેન્દ્ર સરકારના ગેઝેટ નોટીફીકેશન નંબર ૮૧૭, તા. ૨૮-૮-૨૦૧૮ સંદર્ભે જ જણાઇ આવે છે કે દવાનું ઓનલાઇન વેચાણ તથા તેની જાહેરાત વિગેરે ગેરકાયદેસર છે. (ર) ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCA) માં નોંધાયેલ કુલ સંખ્યા ૮.પ લાખ જેટલી છે. તેમના ઓફિસ સ્ટાફ તથા પરિવાર મળીને કુલ ૬૦ થી ૭૦ લાખ વ્યકિતઓના રોજગાર તથા રોજીરોટી ઉપર અસર થાય તેમ છે.

આ ઉપરાંત આવેદનમાં કરાયેલ માંગણીઓ તથા રજુઆતોનાં નાર્કોટીકસ તથા સાયકોટ્રોપીક કન્ટેન્ટ અને હેબીટફોર્મિંગ ડ્રગના ઓનલાઇન વેચાણને કારણે યુવાધન ઉપર નકારાત્મક અસર પડવાની સંભાવના મેડીકલ સ્ટોરની જેમ જ ઓનલાઇન દવા વેચાણમાં પણ યોગ્ય પ્રિસ્ક્રીપ્શન તથા ફાર્માસીસ્ટની હાજરી, વિવિધ દવાના ભાવો પણ ઓનલાઇન કંપનીઓ તથા દવાના ધંધાર્થીઓ માટે એક જ સરખા રાખવા વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. તાજેતરના ભૂતકાળમાં મદ્રાસ તથા દિલ્હી હાઇકોર્ટે પણ ઓનલાઇન દવાના વેચાણ સામે સ્ટે આપ્યો હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ના હોદ્દેદારો પ્રમુખશ્રી મયૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઇ કાલરીયા તથા માનદ્દમંત્રી શ્રી અનિમેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

આજના આ દેશવ્યાપી હલ્લાબોલ વિરોધ કાર્યક્રમ પછી પણ જો ઇ-ફાર્મસી ઉપર નિયંત્રણ નહીં આવે તો હજુ વધુ ઉગ્રઅને આકરા વિરોધ કાર્યક્રમ આપવાનું મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિશાળ રેલીમાં દવા બજારની વિવિધ માંગણીઓ સાથે બેનરો પણ ધ્યાન ખેંચતા હતાં.

(10:27 am IST)