Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

દશરથના મહેલમાં ૧૦,૦૦૦ રૂમ હતા કોણ જાણે છે ભગવાન રામ કયા રૂમમાં જન્મ્યા

કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે ફરી આપ્યું વિવાદિત નિવેદન

નવી દિલ્હી તા. ૮ : રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર ઐયરનું નવું બયાન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, રાજા દશરથના મહેલમાં ૧૦ હજાર કમરા હતા અને ભગવાન રામ કયા કમરામાં જનમ્યા હતા તે કોને ખબર છે ? મણીશંકર ઐયરે આ વાત સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ 'એક શામ બાબરી મસ્જીદ કે નામ'માં કહી હતી.

તેમણે કહ્યું કે જો તમે ઇચ્છતા હો તો અયોધ્યામાં મંદિર જરૂર બનાવો પણ એવું તમે કઇ રીતે કહી શકો કે મંદિર ત્યાં જ બનશે. ત્યાં જ મંદિર બનશેનો મતલબ શું થયો? દશરથ બહુ મોટા રાજા હતા અને અવું કહેવાય છે કે તેમના મહેલમાં ૧૦,૦૦૦ કમરા હતા. કયા કમરામાં ભગવાન જન્મ્યા હતા તે કેવી રીતે કહી શકાય. ત્યાં એક મસ્જીદ છે એટલે અમે પહેલા તે તોડીશું અને ત્યાં જ મંદિર બનાવીશું એમ કહેવું બરાબર નથી. મણીશંકર ઐયરના આ બયાન પછી તેમની ઘણી ટીકાઓ થઇ રહી છે.

કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યકત કરતા તેમણે બીજી પણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, ૬ ડિસેમ્બરનો દિવસ આ દેશ માટે પતનનો દિવસ હતો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ જે થયું તે નહોતું થવું જોઇતું પણ તે થયું ત્યારે કોંગ્રેસની સરકાર સત્તા પર હતી. જો પણ ઇચ્છત તો બાબરી મસ્જીદનો ધ્વંસ ન થાત. તેમણે મહાત્મા ગાંધીની શહીદી અને બાબરી મસ્જીદ ધ્વંસને એક સરખા ગણાવ્યા હતા.

મણીશંકર ઐયરે પોતાના બયાનોને કારણે ઘણીવાર વિવાદોમાં સપડાયા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી વિરૂધ્ધ ચા વાળા બયાન પર પણ તેમની ઘણી ટીકાઓ થઇ હતી. ત્યારે તેમણે કોંગ્રેસની મીટીંગની વાત કરતા કહ્યું હતું કે, જો મોદી અહીં ચા વેચવા આવે તો કોંગ્રેસ તેમનું સ્વાગત કરશે.(૨૧.૭)

 

(10:19 am IST)