Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સવર્ણ અનામત : માત્ર હિન્દુઓ જ નહિ પણ મુસ્લિમ - ખ્રિસ્તીઓને પણ મળશે લાભ

દરેક ગરીબ આ વ્યવસ્થાનો લાભ ઉઠાવી શકશે : દરેક સંપ્રદાયને આવરી લેવાયા છે

નવી દિલ્હી તા. ૮ : મોદી સરકારે સામાન્ય વર્ગમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયમાં ધર્મની અડચણ નથી રખાઇ એટલે સામાનય વર્ગમાં આવતા દેશના ગરીબ નાગરિકને તેનો લાભ મળશે. તેમાં હિન્દુથી માંડીને મુસ્લિમ અને બીજી ધાર્મિક લઘુમતિના લોકો પણ શામેલ છે.

સૂત્રો અનુસાર, કેબિનેટમાં સોમવારે જે નિર્ણય લેવાયો છે તેમાં હાલની અનામતનો લાભ લેનાર કોઇ પણ જાતી કે વર્ગને આનો લાભ નહીં મળે એટલે કે ઓબીસી અથવા એસસી - એસટી અનામતનો જે લોકો લાભ મેળવે છે તેમને આ ૧૦ ટકા અનામતનો લાભ નહીં મળે. સૂત્રો અનુસાર, સરકારે પોતાના આ નિર્ણયને ધર્મને બાજુમાં રાખીને દરેક ધર્મના સામાન્ય શ્રેણીમાં આવતા ગરીબને આ અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

હાલની અનામત વ્યવસ્થા હેઠળ અનુસૂચિત જાતિ (એસસી) ને ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને ૨૭ ટકા અનામત આપવામાં આવે છે એટલે કુલ ૪૯.૫ ટકા અનામત વ્યવસ્થા અત્યારે અમલી છે. હવે સરકારે તેનાથી અલગ સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતનો નિર્ણય લીધો છે. આના માટે સરકાર બંધારણમાં ફેરફાર કરવા જઇ રહી છે.(૨૧.૭)

કોને મળશે લાભ

.   આર્થિક રીતે નબળા કોઇ પણ ધર્મના લોકો

.   જેની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોય

.   જેની પાસે ૫ હેકટરથી ઓછી જમીન હોય.

.   જેની પાસે ૧૦૦૦ ચોરસ ફુટથી નાનુ ઘર હોય

.   જેની પાસે નિગમની ૧૦૯ વારથી ઓછી અધિસૂચિત જમીન હોય.

.   જેની પાસે નિગમની ૨૦૯ વારથી ઓછી બિનઅધિસૂચિત જમીન હોય.

(10:19 am IST)