Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કચ્છના ધરખમ નેતા જેન્તી ભાનુશાળીની ગોળી મારી હત્યા

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રમુખની ફર્સ્ટ એસી કોચમાંથી લાશ મળી આવીઃ ભુજથી અમદાવાદ જતા સયાજીનગર એક્ષપ્રેસમાં નિકળ્યા હતા : ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટઃ જયંતિભાઇ ભાનુશાળી સામે યુવતિના શોષણના : આક્ષેપ થયેલા : હત્યામાં છબીલ પટેલની સંડોવણી હોવાની પત્ની મધુબેન અને ભાઇ શંભુભાઇની આશંકા

માળિયા મીંયાણા પંથકમાં ચાલુ ટ્રેને કચ્છના કદાવર નેતા ભાજપના જયંતીભાઇ ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવાયા બાદ તેમની લાશનો રેલવે પોલીસે કબ્જો લીધો ત્યારની તસવીર. (તસવીર-અહેવાલઃ રજાક બુખારી, માળીયા મીંયાણા)

 ભુજ - મોરબી તા. ૮ : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જેન્તી ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે. ભુજ થી મુંબઈ જઇ રહેલી સયાજીનગરી એકસપ્રેસના ફર્સ્ટ એસી કોચમાંથી તેમની લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા હુમલાખોરે તેમના મોઢા અને પેટ ઉપર ગોળી મારીને તેમનું ખુન કર્યું છે. રાત્રે દોઢ વાગ્યે આ બનાવની જાણ થતાં ટ્રેનને માળીયા સ્ટેશને રોકી દેવાઈ હતી.

હત્યાનો બનાવ સૂરજબારી થી માળીયા સ્ટેશન વચ્ચે બન્યો હોવાની જાણ થયા બાદ રેલવે પોલીસે આગળ તપાસ શરૂ કરી છે. રાત્રે દોઢ વાગ્યે જેન્તી ભાનુશાલી નામના પ્રવાસીની ૧૯૧૧૬ સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં હત્યા થઈ છે અને ટ્રેન માળીયા રોકી દેવાઈ છે, એવો શોર્ટ મેસેજ રેલવે દ્વારા પણ મોકલાયો હતો. જોકે, આ હત્યાના બનાવની અને તપાસ વિશેની વધુ વિગતો મેળવાઈ રહી છે. પરંતુ જેન્તી ભાનુશાળીની હત્યાના સમાચાર થી કચ્છ સહિત ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જેન્તીભાઈ મોટેભાગે અમદાવાદ જવા સયાજીનગરી ટ્રેનમાં જ મુસાફરી કરતા હતા.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગત મોડી રાત્રે ભુજથી દાદર જતી સયાજીનગરી એકસપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાતાં કચ્છ સહિત સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ફિલ્મી ઢબે કરાયેલા હત્યાની મળતી માહિતી મુજબ રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં એસી કોચમાં સવાર પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. તેમને છાતી અને મોં પર ગોળી મારવામાં આવી હતી. જેમાં તેમનું મોત નીપજયું હતું. કટારીયા અને સૂરજબારી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં હત્યા થઈ હોવાની માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે બનાવ અંગે જાણ થતાં રાત્રે બે વાગ્યાના અરસામાં ટ્રેનને માળિયા રેલવે સ્ટેશન ખાતે થોભાવાઈ હતી અને તપાસ માટે રેલવે પોલીસ દોડી ગઈ હતી.

જયંતી ભાનુશાળી ભાજપના અગ્રણી નેતા હતા. તેમની હત્યાએ અનેક સવાલો સજર્યાં છે. રેલવે પોલીસની હદમા હત્યાનો ગુન્હો નોંધાયો છે. તો ભાજપના નેતાની હત્યાને પગલે મોરબી જીલ્લા એસપી સહિતનો કાફલો માળિયા દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી હતી

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળી સામે તાજેતરમાં યુવતીએ શોષણના આક્ષેપ લગાવ્યા હતા અને છબીલ પટેલ સાથે અનબન ચાલતી હોય ત્યારે માળિયા પહોંચેલ મૃતક જયંતીભાઈના પત્ની મધુબેન અને ભાઈ શંભુભાઈએ પણ છબીલ પટેલ પર આક્ષેપો કર્યા છે અને હત્યામાં તેની સંડોવણી હોવાની આશંકા વ્યકત કરી છે.

ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તેની સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરને પોલીસે અટકાયતમાં લીધો છે. હત્યા સમયે તે કોચમાં હાજર હોય જોકે હાલ તે કશું જાણતો ના હોવાનું રટણ ચલાવી રહ્યો છે ત્યારે પોલીસે તેની ઉલટ તપાસ ચલાવી છે અને કોઈ હત્યાના ષડ્યંત્રના ભાગરૂપે આ ઈસમનો કોઈ રોલ છે કે નહિ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

ભાજપના કદાવર નેતા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ભાનુશાળી કચ્છથી મુંબઈ જતા સામખીયાળી નજીક ટ્રેનમાં ગોળી મારી ઘાતકી હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે.

માળીયામિંયાણા નજીક સુરજબારી અને કટારીયા વચ્ચે રાત્રે બે વાગ્યાની આસપાસ હત્યાનો બનાવ બન્યો જેમા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવાતા સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોતે દોઢેક વાગ્યાના અરસામાં એસી કોચમાં સવાર હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો કોચમાં ધસી આવી ગોળી મારી તેમની હત્યા કરી દેવાઈ હતી તેમને છાતી અને મોં પર ગોળી મારવામાં આવી હતી. જેમાં તેમનું મોત નીપજયું હતુ કટારીયા અને સૂરજબારી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં આ હત્યા કરાઈ હોવાના અહેવાલો છે. તપાસ માટે રેલવે પોલીસ દોડી ગઈ હતી જયા જયંતી ભાનુશાલી ભાજપના અગ્રણી નેતા હોવાનુ જણાતા ખળભળાટ મચી ગયો હતો. હાલ તો માળીયા રેલવે પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ કરવા તજવીજ હાથ ધરાઈ છે કચ્છથી ઉપડેલી સયાજીનગરી એકસપ્રેસ કટારીયા સુરજબારી વચ્ચે રાત્રે બે વાગ્યે બંદુકના ભડાકાથી ગુંજી ઉઠી હતી. જેમા સવાર લોકો ફફડી ઉઠ્યા હતા અને અબડાસાના પુર્વ ધારાસભ્યને બેથી વધુ ગોળી ધરબી દેતા ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.(૨૧.૯)

ચાલુ ટ્રેને એક યુવાન લઘુશંકા કરવા ગયો પછી જયંતિભાઈ ઉપર બંદુકમાંથી ગોળીઓ છુટી પડીઃ

હત્યાવાળો કોચ સીલ કરાયો

- કચ્છ ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ, તાલુકા-જીલ્લા પંચાયતો પણ જીતી ચૂકયા હતા.

- ૨૦૦૭માં અબડાસાથી વિધાનસભા સીટ પર વિજેતા થયા હતા.

- ૨૦૧૨માં કોંગ્રેસના છબીલ પટેલ સામે તેમનો પરાજય થયો હતો.

- જયંતિભાઈ છેલ્લા ૪ દિવસ થયા કચ્છ ગયા હતા. તેઓ અબડાસાની બાજુના કોઠારા ગામના વતની હતા.

- ગત રાત્રીના તેઓ ભૂજથી બોમ્બે જતી સયાજીનગરી ટ્રેન નં. ૧૯૧૬ના એસી કોચમાં એકલા જ મુસાફરી કરી, અમદાવાદ-મંુબઈ જવા નિકળ્યા હતા.

- રાત્રીના ૨ વાગ્યાની આસપાસ સુરજબારી અને કટારીયા પાસેથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેમની બાજુમાં મુસાફરી કરતા પવન શોર્ય નામનો યુવાન લઘુશંકા કરવા ગયો, દરમિયાનમા અજાણ્યા હત્યારાઓએ જયંતિભાઈ પર ધડાધડ ગોળીયો છોડી ઢાળી દીધા હતા.

- એક ગોળી પીઠના પાછળના ભાગથી હૃદય સોંસરવી નિકળી હતી અને બીજી આંખમાં વાગતા તેનુ મોત નિપજ્યુ હતુ, બે રાઉન્ડ ગોળીઓ છોડી હતી.

- બનાવના પગલે જયંતિભાઈના મૃતદેહને માળિયા (મીં.) રેફલ હોસ્પીટલ લઈ જવાયો હતો જ્યાં મામલતદારની રૂબરૂમાં ઈન્કવેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- ફોરેન્સીક તપાસ માટે મૃતદેહને અમદાવાદ લઈ જવા પરિવારજનોએ પણ વિનંતી કરી હતી.

- જયંતિભાઈ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો, નલીયાકાંડના ઉડયા હતા છાંટા

- કચ્છ ભાજપના બે નેતાઓ વચ્ચે ચાલતી હતી ખેંચતાણ

- કચ્છના છબીલ પટેલે જ હત્યા કરાવ્યાનો પત્ની, ભાઈ પરિવારનો આક્ષેપ

- સોપારી આપી હત્યા કરાવ્યા પૂર્વે છબીલ પટેલ અમેરિકા જતા રહ્યાનું જણાવ્યુ હતુ. પોતાની હત્યાની આશંકા જયંતિભાઈએ ગત તા. ૭-૭-૨૦૧૮ના આઈ.જી. પાસે વ્યકત કરી હતી, પત્ર લખ્યો હતો.

- ઘટના બાદ તરત જ મોરબી એસ.પી., ડીવાયએસપી, પીએસઆઈ સહિત માળીયા (મીં.) દોડી ગયા હતા અને કાર્યવાહી આરંભી હતી.

- અંતમાં ટ્રેન અમદાવાદ પહોંચતાની સાથે જ હત્યાવાળો ડબ્બો તપાસ અર્થે સીલ કરાયાનું જાણવા મળ્યુ છે.

(11:29 am IST)