Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉદ્વવઠાકરેએ કર્યુ PM મોદીનું સ્વાગત

પુનાઃ મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સહયોગી રહેલી પાર્ટી હવે કોંગ્રેસ અને એનસીપીની સહયોગી બની ચૂકી છે. મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પહેલી વખત શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા. આ પ્રસંગે સીએમ ઉદ્ઘવ ઠાકરેએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ પણ ઉદ્ઘવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને પોતાના મોટાભાઈ જણાવ્યા હતા. ઉદ્ઘવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને મળવા જશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજયપાલ ભગત સિંહ કોશ્યારી અને પૂર્વ સીએમ અને હવે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. સીએમ બન્યા બાદ ઉદ્ઘવ ઠાકરેની વડાપ્રધાન મોદી સાથે આ પહેલી મુલાકાત હતી. ઉદ્ઘવ ઠાકરેએ સીએમ પદ માટે આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે પીએમ મોદીને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ આવી શકયા ન હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પુણેમાં ૬થી ૮ ડિસેમ્બર સુધી ચાલનારી રાષ્ટ્રીય પોલીસ મહાસંચાલક સેમિનારમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્રણ દિવસના સંમેલનમાં રાજય પોલીસ ફોર્સ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઈ લેશે અને આંતરિક સુરક્ષા સંબધી વિષયો પર ચર્ચા કરશે. સંમેલન પુણેના પાષાણ ક્ષેત્રમાં સ્થિત ત્ત્લ્ત્ય્ના પ્રાંગણમાં આયોજિત થઈ રહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, 'ગૃહ મંત્રાલય દર વર્ષ આ સંમેલન આયોજિત કરે છે. પહેલા આયોજન દિલ્હીમાં થયું હતું, પરંતુ નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે અલગ-અલગ શહેરોમાં સંમેલન આયોજિત થાય છે.' ગત વર્ષે આ સંમેલન ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજિત થયું હતું.

(11:37 am IST)