Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શેલ્ટર હોમ રેપ કેસની હવે સંસદમાં પણ ગુંજ દેખાઈ

દોષિતોને કઠોર સજા કરાશે : રાજનાથસિંહ : શેલ્ટર હોમ રેપના મામલે : સંસદમાં ભારે ધાંધલ ધમાલ

નવીદિલ્હી, તા. ૭ :ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ બિહારની જેમ જ શેલ્ટર હોમ કેસ ઘટના સપાટી ઉપર આવ્યા બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આજે સંસદમાં પણ આની ગૂંજ જોવા મળી હતી. દેવરિયા અને મુઝફ્ફરપુર મામલામાં સંસદમાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. સતત ધાંધલ ધમાલ અને વિરોધ પક્ષોના આક્ષેપો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નિવેદન કરવાની ફરજ પડી હતી. રાજનાથસિંહે સરકાર તરફથી નિવેદન કરતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં થયેલી ઘટના પર યોગી સરકારે તરત કાર્યવાહી કરી છે. તેમણે ખાતરી આપતા કહ્યું તું કે, સરકાર દોષિતો સામે કઠોર કાર્યવાહી કરશે. દિલ્હીમાં આરજેડી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ સાંસદોએ સંસદ સંકુલમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરીને દેખાવો કર્યા હતા. ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. મામલાઓ ઉપર જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, દેવરિયા મામલામાં ઉત્તરપ્રદેશ સરકારે તરત કાર્યવાહી કરી છે. જિલ્લા અધિકારીને પણ તરત દૂર કરવામાં આવ્યા છે. સરકાર દોષિતોને સજા કરવા માટે કટિબદ્ધ છે. ઉત્તરપ્રદેશમાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી રીટા બહુગુણાએ પણ આજે કહ્યું હતું કે, આના માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. રીટા બહુગુણાએ કહ્યું હતું કે, આ ખુબ જ સંવેદનશીલ મામલો છે. આના ઉપર રાજનીતિ હોવી જોઇએ નહીં. લાપરવાહીના લીધે થયા છે કે પછી કાવતરા હેઠળ આ કૌભાંડો ચાલી રહ્યા હતા તેને લઇને રિપોર્ટ આવ્યા બાદ જ કંઇ કહી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ પોતે આ મામલાને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી છે. રાજકીય પક્ષો ઉપર રાજકીય રંગ આપવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો આને મુદ્દો બનાવી રહ્યા છે. દેવરિયાના શેલ્ટર હોમથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. ૧૮ યુવતીઓ હજુ પણ ગાયબ છે. આ શેલ્ટર હોમને સીલ કરીને તપાસ હાથ ધરાઈ છે. કેટલીક નવી ચોંકાવનારી વિગત ખુલી શકે છે.

(7:40 pm IST)