Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શેલ્ટર હોમ રેપ : વિપક્ષ પર નીતિશે તેજાબી પ્રહારો કર્યા

ધરણા પ્રદર્શન પર બેઠેલા લોકો હસી રહ્યા હતા : શરમજનક ઘટનાને લઇને તેઓ ચિંતાતુર છે, સીબીઆઈ યોગ્યરીતે તપાસ કરી રહી છે : નીતિશકુમારની જાહેરાત

પટણા,તા. ૬ : બિહારના મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમમાં યુવતિઓ સાથે રેપની ઘટના પર મચી ગયેલા રાજકીય ઘમસાણ વચ્ચે મુખ્યપ્રધાન નીતીશ કુમારે આજે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ સમગ્ર ઘટના પર માત્ર રાજનીતિ રમવામાં આવી રહી છે. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે તેઓ પોતે આ ઘટનાને લઇને શર્મસાર થયા છે. તેમની સરકાર પોતે આ ઘટનામાં હાઇકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇ દ્વારા તપાસની માંગ કરે છે. નીતીશ કુમારે દિલ્હીમાં આરજેડીના નેતૃત્વમાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન ઉપર પણ પ્રહારો કર્યા હતા. મુઝફ્ફરપુર કાંડ ઉપર આયોજિત ધરણાને લઇને પ્રહાર કરતા નીતિશે કહ્યું હતું કે, શરદ યાદવ પણ આમા જોડાઈ ગયા છે. ધરણા પર બેઠેલા લોકો આ સંવેદનશીલ મુદ્દા ઉપર હસી રહ્યા હતા. મહિલાઓની સામે અપશબ્દો બોલનાર નેતા હાથમાં કેન્ડલ લઇને માર્ચ કરી રહ્યા હતા. નીતિશે આ મામલામાં નામ આવનાર મંત્રી મંજુ વર્માનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મામલામાં જે કઇપણ દોષિત હશે તેમની સામે પગલા લેવામાં આવશે. નીતિશે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેમની સરકારે જ આ મામલામાં તપાસ કરાવી હતી. તેમના મૌનનો મતલબ ખોટી રીતે કાઢવામાં આવી રહ્યો છે. અમે પહેલાથી જ હાઈકોર્ટથી આ મામલાની તપાસ કરાવવા માટે રજૂઆત કરી દીધી છે. હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ થઇ ચુકી છે. રિપોર્ટ બાદ અમે પગલા લેવાની શરૂઆત કરી ચુક્યા છે. સરકાર દ્વારા તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે આ ઘટનાની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવા માટેનો આદેશ કરી ચુક્યા છે. નીતિશકુમારે કહ્યું હતું કે, રાજકીય પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સમય આવશે તો અહીંથી પણ જવાબ મળશે ત્યારે વાત સમજમાં આવશે. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા ઉપર ધરણામાં લોકો હસી રહ્યા હતા. કોણ કોણ લોકો કેન્ડલમાર્ચમાં સામેલ હતા. મહિલાઓ પ્રત્યે અશ્લિલ શબ્દોના કારણે કેટલાક નેતાઓની ટિકા પણ થઇ ચુકી છે. શરદ યાદવના નામનો ઉલ્લેખ કર્યા વગર નીતિશે કહ્યું હતું કે, પરકટી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા લોકો પણ કેન્ડલ માર્ચમાં સામેલ હતા. કોઇપણ સરકાર રહે આ પ્રકારની ઘટના કોઇપણ જગ્યાએ થઇ શકે છે. અમે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ. કોઇ બાંધછોડ કરી રહ્યા નથી. મંજુ વર્માનો બચાવ કરતા કહ્યું હતું કે, મંત્રી તેમને મળીને સ્પષ્ટતા કરી ચુક્યા છે. કોઇને બિનજરૂરીરીતે જવાબદાર ઠેરવી શકાય નહીં. મંત્રીના સ્તર પર જો કોઇ કાર્યવાહી થઇ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીને હટાવી દેવાથી યોગ્યરીતે રસ્તો નિકળશે નહીં. સીબીઆઈ તપાસ કરી રહી છે. ભાજપના નેતા સીપી ઠાકુર અને ગોપાલ નારાયણસિંહે તપાસ થાય ત્યાં મંજુ વર્માને દૂર કરવાની માંગ કરી છે. મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની સાથે પોતાના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને લાલૂ યાદવની બાબત પર પણ ખુલાસો કર્યો હતો. કોઇના પણ ફોટા કોઇની સાથે હોઈ શકે છે જેને લઇને વિવાદ યોગ્ય નથી. જે લોકોને પહેલા માહિતી હતી તે લોકો પહેલા કેમ કહી હ્યા ન હતા. ઘટનાને લઇને તેઓ ચર્ચામાં પડવા માંગતા નથી.

(12:00 am IST)