Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

શિષ્ટાચાર જાળવવા માટે પત્રકારને કરાયેલું સૂચન

ખટ્ટરના સૂચનથી નવો વિવાદ છેડાયો

ચંદીગઢ, તા. ૭ :ભારતીય જનતા પાર્ટી એકબાજુ લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તૈયારીમાં લાગેલી છે ત્યારે પાર્ટીના કેટલાક નેતાઓ મીડિયાની પણ મજાક કરી રહ્યા છે. હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્ન દરમ્યાન નારાજગી વ્યક્ત કરી હતી. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નને લઈને ખટ્ટર નારાજ થઈ ગયા હતા અને મીડિયા સાથે તેમને વાત કરવી નથી તેમ કહીને વિવાદ જગાવી દીધો હતો. શિષ્ટાચાર શીખવાની સલાહ પણ મુખ્યમંત્રીએ આપી દીધી હતી. હરીયાણાના મુખ્યમંત્રી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા અને શિવરાજસિંહ સરકારમાં મંત્રી રહી ચૂકેલા બાલકૃષ્ણ પાટીદારે પણ મીડિયાની મજાક કરી છે. તેમણે કહ્યું છે કે પત્રકારો નાના મોટા નેતાઓને ડરાવતા રહે છે. તેમની સામે સમાચાર છાપવાની ધમકી આપવામાં આવે છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેઓ નારાજ થયા હતા. હરિયાણાના જ નહીં બલ્કે મધ્યપ્રદેશ સરકારના મંત્રી પણ અગાઉ વિવાદના ઘેરામાં રહ્યા છે. એકબાજુ અમિત શાહ પત્રકારો સાથે શિસ્ત જાળવવા માટે કહી રહ્યા છે.

(7:30 pm IST)