Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કર્ણાટક :પેટ્રોલ-ડિઝલની કિંમતો વધતા કોંગ્રેસ ખફા

દરખાસ્ત પરત ખેંચવા કુમારસ્વામી પર દબાણ :પેટ્રોલ-ડિઝલ પર કેન્દ્ર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો વચ્ચે કુમારસ્વામીએ કિંમતો વધારતા કોંગીને ફટકો પડ્યો

બેંગલોર, તા. ૭ :કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પ્રથમ બજેટમાં તેલની કિંમતો વધારવાના નિર્ણયથી માત્ર આમ આદમી પાર્ટી જ નારાજ નથી બલ્કે પ્રદેશની સંગઠન સરકારમાં સામેલ રહેલી કોંગ્રેસ પાર્ટીમાં પણ નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. એમ માનવામાં આવે છે કે આગામી સપ્તાહમાં જ્યારે મુખ્યમંત્રી કુમારસ્વામી બજેટ મંજુર કરવા માટે મુકશે ત્યારે કોંગ્રેસ પાર્ટી તેલની વધી ગયેલી કિંમતોને પરત ખેંચવા માટેની માંગણી રજુ કરી શકશે. પોતાના બજેટ ભાષણમાં કુમારસ્વામીએ પેટ્રોલ અને ડિઝલ પર સ્ટેટ ટેક્સ બે ટકા સુધી વધારવાની દરખાસ્ત રજુ કરી હતી. આવું કરીને કર્ણાટક સરકાર ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની કિસાન લોન માફીના પોતાના મહત્વકાંક્ષી નિર્ણય માટે ફંડ એકત્રિત કરવા ઈચ્છુક છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અને અન્ય ક્ષેત્રીય પક્ષોના લોકો વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસની ચિંતા છે કે કુમારસ્વામીએ આ નિર્ણય લઈને તેના પ્રચારની પ્રક્રિયાને અટકાવી શકે છે. સાથે સાથે આના ઉપર ભાજપને પણ વળતા પ્રહાર કરવાની તક મળી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે કુમારસ્વામીનો આ નિર્ણય પાર્ટીના મજબૂત રાજકીય હથિયારને કમજોર કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાર્ટી કુમારસ્વામીના આ નિર્ણયને પરત ખેંચવા માટે અપીલ કરશે. કોંગ્રેસ નેતા દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા છે કે જ્યારે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારના ખોટા નિર્ણયથી કોંગ્રેસના દેખાવ ઉપર માઠી અસર થશે. કર્ણાટક સરકારના આ નિર્ણયને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ પર વળતા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. તેલની કિંમતોને લઈને મોદી સરકારના વિરોધ પ્રદર્શન બાદ કર્ણાટક સરકાર હવે મુશ્કેલીમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે કુમારસ્વામીએ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં તેલની કિંમતો વધારવાને લઈને કોઈપણ પ્રકારની ચર્ચા કરી ન હતી. પ્રિ-બજેટ સેશનની ગુપ્ત બેઠકમા સામેલ જેડીએસના એક નેતાએ ખુલાસો કરતા કહ્યું છે કે કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી ન હતી. જેડીએસના નેતાએ કહ્યું છે કે કોઓર્ડિનેશન કમિટીએ લોનમાફી સ્કીમને મંજુર કરતી વેળા મુખ્યમંત્રીને આને કોઈપણ પ્રકારથી વ્યવહારીક બનાવવાની વાત કરી હતી. અમને તેલ કિંમતોમાં વધારો કરવામાં આવશે તેવો કોઈપણ અંદાજ ન હતો. એવા સંકેત પણ આપ્યા હતા કે કુમારસ્વામી આગામી સપ્તાહમાં આ પ્રસ્તાવને પરત ખેંચી શકે છે.

(7:28 pm IST)