Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ખેડૂતો માટેના વિજદરોને જે તે વિસ્‍તારના ભૂગર્ભ જળ તથા પાક માટે પાણીની જરૂરના આધારે ઘડાશે

કેન્‍દ્ર સરકાર પાવર ટેરીફની નીતિ બદલવા માંગે છે : નઃશુલ્‍ક વિજળીનો દુરૂપયોગ રોકાશે : ગરીબો માટે વિજળીના દર એક જ રહેશે

નવી દિલ્‍હી, તા. ૭ : ભૂજળની બરબાદી ઓછી કરવા માટે કેન્‍દ્ર સરકારે રાજયોને ખેડૂતો માટેના વિજદર જે તે વિસ્‍તારના ભૂ જળના સ્‍તર અને ત્‍યાંના પાક માટે પાણીની જરૂરતના આધારે નક્કી કરવાનો પ્રસ્‍તાવ મૂકયો છે. સાથે કેન્‍દ્રએ રાજયોને ઓછા ભૂ જળ સ્‍તરવાળા વિસ્‍તારના ખેડૂતોને મળતી સબસીડી બંધ કરવાનું કહ્યું છે. વિજ કાયદાની કલમ ૬ર(૩) અનુસાર શુલ્‍ક નક્કી કરવા માટે જે તે વિસ્‍તારની ભૌગોલિક પરિસ્‍થિતિ પણ એક મુદ્દો ગણાય છે. આ અનુસાર જો કોઇ વિસ્‍તારમાં ભૂ જળનું સ્‍તર ઓછું હશે તો તે વિસ્‍તારના ખેડૂતો માટે વિજદર ઉંચા દેવા પડશે.

મફત વિજળીનો દુરૂપયોગ અટકાવવા માટે સુધારામાં કહેવાયું છે કે રાજયોએ સબસીડી હેઠળ વિજળી આપવાનું બંધ કરવું જોઇએ. આના બદલે ગ્રાહકોને ડીબીટી દ્વારા રાહત આપવી જોઇએ. સુધારાના પ્રસ્‍તાવ પ્રમાણે ગરીબો માટે વીજળીનો એકજ ભાવ હશે. ડીલાઇટ ટચ તોમાત્‍સુ ઇન્‍ડીયાના ભાગીદર દેવાશિષ મિશ્રએ કહ્યું કે ર૦૦૩ના વિજ કાયદાનો મૂળ ઉદેશ બધા કનેકશનો પર મીટર લગાવવાનો અને ધીમે ધીમે ક્રોસ સબસીડી બંધ કરવાનો હતો પણ કાયદો બન્‍યા પછી ૧પ વર્ષે પણ તે હાંસલ નથી થયો. પ્રસ્‍તાવીત સુધારો વ્‍યવહારૂ છે એ ઉજ્જવલા યોજનામાં ડીબીટીની સફળતાના દાખલા પર આધારીત છે. જો આને કાર્યાન્‍વિત કરવામાં રાજયો સહકાર આપશે તો તેનાથી નાદુરસ્‍ત વિજક્ષેત્રની કાયદા પલટ થઇ શકશે.

વિજ કાયદા હેઠળ શુલ્‍ક નીતિ વિજળીના ભાવ નક્કી કરવા, વીજ ખરીદી સમજૂતી, કોલસા અને વીજળીનું વેચાણ તથા ખરીદી માટે માર્ગદર્શક સિદ્ધાંત છે. નીતિમાં સુધારો કરવાથી કાયદેસર રીતે સુધારાને રસ્‍તો સાફ થશે. આ પહેલા ર૦૧૬માં તેમાં સુધારો કરાયો હતો. નવી વ્‍યવસ્‍થાને અમલી બનાવવા માટે રાજય વિજ નિયમન આયોગોએ અલગથી પોતાના શૂલ્‍ક નિયમો બનાવવા પડશે. નવી નીતિમાં વિજ ગ્રાહકોની શ્રેણીઓ ઘટાડીને પ સુધી જ રાખવાનું લક્ષ્ય છે. સાથે જ વીજ શુલ્‍કને સરળ બનાવવાનો તેનો મકસદ છે. ઘણા વર્ષો દરમ્‍યાન ગ્રાહકોની જાત જાતની શ્રેણી બનાવવાના લીધે તે ઘણુ અઘરૂ થઇ ગયું છે. સુધારા પ્રમાણે ગ્રાહકો માટે રેસીડેન્‍સીયલ, કોમર્શીયલ, એગ્રીકલ્‍ચરલ, ઇન્‍ડસ્‍ટ્રીયલ અને સંસ્‍થાકીય એમ પાંચ પ્રકારની શ્રેણીઓ જ રહેશે.

હાલમાં આખા દેશમાં વિજ શુલ્‍કની ૧પ૦થીફ વધારે શ્રેણી છે. આમાંથી મોટાભાગની શ્રેણીઓ લોકોને સબસીડી આપવા અને સસ્‍તી વિજળી આપવાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે બનાવાઇ છે આના લીધે રાજયોની વિજ કંપનીઓની હાલત ખરાબ થઇ છે કારણ કે તેમણે મોંઘી વિજળી ખરીદીને ગ્રાહકોને સસ્‍તા ભાવે આપવી પડે છે. મોટાભાગની સબસીડી ગ્રામ્‍ય વિસ્‍તારોને અને સિંચાઇ માટે અપાઇ રહી છે.

(12:30 pm IST)