News of Saturday, 7th July 2018
નવી દિલ્હીઃ આરટીઆઇ કાયદા અંતર્ગત કોઇપણ વ્યક્તિ જુદી-જુદી સરકારી કચેરીઓ પાસેથી કોઇપણ માહિતી માંગી શકે છે. ત્યારે કેન્દ્ર સરકાર આરટીઆઇના કાયદામાં બદલાવ કરવા માટે આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અધિકારનો કાયદા લાવવામાં જે લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને આ કાયદા દ્વારા સરકારને જવાબદાર બનાવવા માટે જે લોકો સક્રિય છે તેમને એવો ભય છે કે, મોદી સરકાર આ કાયદાનો નબળો કરવા માંગે છે. કર્મશીલોનો આરોપ છે કે, જો આવુ થશે તો આ દેશમાં સામાન્ય માણસ પાસે કાયદા દ્વારા જે સત્તા મળી છે તે પણ જતી રહેશે. માહિતી અધિકારના કાયદામાં આવનારા કથિત ફેરફારોનો વિરોધ કરવા માટે દેશભરમાંથી લોકો 18 જુલાઇના રોજ દિલ્હીમાં એકઠા થવાના છે અને સરકાર સામે દેખાવો-વિરોધ કરવાના છે.
આ કાયદો લાવવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તેમા નેશનલ કમ્પેઇન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશન (NCPRI) પણ એક છે. આ સંસ્થાના કો-કન્વિનર પંક્તિ જોગે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, સરકાર માહિતી અધિકારના કાયદામાં શું બદલાવ લાવવાની છે તે અંગે ડ્રાફ્ટ બીલ વેબસાઈટ પર મુકયું નથી. નાગરીકો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એક માહિતી મુજબ, માહિતી કમિશ્નરનો હોદ્દો ECI ની બરાબરીમાંથી સંયુક્ત સચિવની સમકક્ષ કરવો અને તેમના પેનલ્ટીના પાવર રદ કરીને, તેને માત્ર ભલામણની સત્તા આપવી. આવા કોઈ પણ ફેરફાર હોઈ શકે. પણ નાગરિકોને કહ્યા વગર આ કાયદામાં ગુપ્તતાથી કોઈ પણ બદલાવ લાવે એ અમોને માન્ય નથી. આ વાત દેશના લોકોને જોર-શોરથી કહેવી પડશે”
પંક્તિ જોગે વધુ માહિતી આપતા જણાવ્યુ કે. ૧૮મી જુલાઇના રોજ દિલ્હીમાં દેશભરના RTI એક્ટીવિસ્ટો ભેગો થવાના છે અને દેખાવો કરવાના છે. આ કાર્યક્રમમાં માહિતી અધિકારના કાયદા માટે લડનારા લોકો સિવાય જે આર.ટી.આઇ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનો પણ હાજરી આપશે. જે આર.ટી.આઇ એક્ટિવિસ્ટોના મર્ડર થયા છે તેમાંથી કોઇને આજદિન સુંધી ન્યાય મળ્યો નથી. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કર્મશીલો જોડાય તે જરૂરી છે.”
દિલ્હીની સાથે સાથે ગુજરાતમાં પણ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન થાય તેવી શક્યતા છે.
કર્મશીલો કહે છે કે, જે કાયદો બનાવવા માટે લોકો અને કર્મશીલો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તે કાયદામાં ધડમૂળથી ફેરફાર કરતી વખતે તેમને માહિતી પણ ન આપવામાં આવે એ તો કેવુ કહેવાય ? આ ખરેખર લોકશાહી પ્રક્રિયાથી વિપરીત છે.