Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

NCDEXના નવા MD તથા CEO બન્યા અરૂણ રાસ્તે

ફાયનાન્સ-બેન્કીંગ-કોર્પોરેટ-સામાજીક વિકાસમાં બહોળો અનુભવ ધરાવે છે

મુંબઇ તા. ૭: ભારતના અગ્રણી કોમોડિટી એકસચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ લિમિટેડ (એનસીડેકસ)ના નવા MD & CEO તરીકે શ્રી અરૂણ રાસ્તે એ આજે કાર્યભાર સંભાળ્યો હતો. એનસીડેકસ સાથે જોડાયા પહેલા શ્રી રાસ્તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)માં કાર્યકારી નિર્દેશક હતા.

શ્રી રાસ્તે બેંકિન્ગ અને ફાયનાન્સ, કોર્પોરેટ અને સામાજીક વિકાસ એમ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રનો ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વ્યવસાયિક કારકીર્દીમાં તેઓ આઇ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાબાર્ડ તથા એ.સી.સી. સિમેન્ટ જેવી કંપનીઓમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. શ્રી રાસ્તેએ ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ-હેદરાબાદ, મધર ડેરી ફ્રુટ અને વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ-દિલ્હી તથા ઇરમા-આણંદમાં ડિરેકટર તરીકે જવાબદારી નિભાવી છે.

શ્રી અરુણ રાસ્તે એનસીડેકસનો કાર્યભાર એવા સમયે સંભાળી રહ્યા છે જયારે એકસચેન્જે છેલ્લા બે વર્ષમાં એવા ઘણા નવા ઉત્પાદનો અને સાહસોની શરુઆત કરી છે જેને નવી ઉંચાઇએ લઇ જવાના છે. જેમાં કોમોડિટી ઇન્ડેક્ષની શરુઆત, ઓપ્શન ઇન ગુડઝ અને બિન કૃષિ ક્ષેત્રમાં કરાયેલી નવી પહેલનો સમાવેશ થાય છે. ખેડૂતોને ખાસ કેન્દ્રસ્થાને રાખીને એકસચેન્જે ઓપ્શન ફેમિલીયરાઇઝેશન પ્રોગ્રામ શરુ કર્યો છે, જેમાં ભાવના જોખમના પ્રબંધન અને હેજીંગનો લાભ કૃષિ ઉત્પાદકો સુધી પહોંચાડી શકાય એ માટે ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનોને એકસચેન્જ સાથે જોડવાનો પ્રયાસ છે. એકસચેન્જ નવા નૈતૃત્વ હેઠળ આ નવા સાહસોમાં નવી ઉંચાઇ હાંસલ કરશે અને બજારના સહભાગીઓમાં પણ વધારો કરશે.

(4:47 pm IST)