Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સેસેક્સ ૮૬ પોઈન્ટ ઉછળીને બંધ : અનેક શેરમાં તેજી રહી

બેંક અને એચડીએફસીના શેરમાં તેજી જામી :ન્નિફ્ટી ૨૭ પોઈન્ટ ઉછળીને ૧૧૮૭૧ની સપાટી ઉપર

નવી દિલ્હી,તા. ૭ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બેંકીગ શેરમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૮૬ પોઈન્ટ ઉછળીને ૩૯૬૧૬ની સપાટીએ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં તેજી રહી હતી. બીએસઈના ૩૦ શેર પૈકી ૧૨ શેરમાં તેજી રહી હતી. બ્રોડર નિફ્ટી ૨૭ પોઈન્ટ ઉછળીને ૧૧૮૭૧ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન એનએસઈમાં ૧૦૫૮ શેરમાં તેજી રહી હતી. ૧૩૯૦ શેરમાં મંદી રહી હતી. ૧૪૬ શેરમાં યથાસ્થિતિ રહી હતી. નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સમાં મિશ્ર સ્થિતિ રહી હતી. બીએસઈ મીડકેપમાં ઈન્ડેક્સમાં ૨૫ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૧૬ રહી હતી. શેરબજારમાં ગઈકાલે ગુરુવારના દિવસે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રિઝર્વ બેંક દ્વારા દેશના આર્થિક વિકાસદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ મુડીરોકાણકારો નિરાશ દેખાયા હતા અને શેરબજારમાં વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં ૩૧ શેર ઇન્ડેક્સ સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઘટીને ૩૯૫૩૦ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૮ પોઇન્ટ ઘટીને ૧૧૮૪૪ની સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે ગઈકાલે નાણાંકીય વર્ષની તેની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ છ ટકાથી ઘટીને હવે ૫.૭૫ ટકા થઇ ગયો હતો. આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૫૦ ટકા થઇ ગયો હતો. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતા. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી હતી.

જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી હતી.  સતત ત્રીજી  વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા ત્રીજી  વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો.

(7:50 pm IST)