Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સાઈકલમાંથી બનાવી મોટરસાઈકલ

૩૩ સીસીનું એન્જિન છે જે ૧૨૦૦ રોટેશન પર મિનિટની રફતાર પકડે છેઃ દસથી પંદર હજાર રૂપિયામાંએ બની જાય છે

ભોપાલઃ મધ્યપ્રદેશ બડવાણી જિલ્લાના અંજડનગરમાં રહેતા જિતેન્છદ્ર ભાર્ગવ નામના એક યુવકે જુગાડ કરીને સાઈકલને મોટરસાઈકલમાં ફેરવી દીધી છે. હવે આ સાઈકલ સડસડાટ મોટરબાઈકની જેમ અંજડના રોડ પર દોડતી જોવા મળે છે. જિતેન્દ્ર પાસે જુની મોટરસાઈકલ હતી. જે ખરાબ થઈ ગઈ હતી અને રિપેર કરવાનો ખર્ચ સાતથી આઠ હજાર રૂપિયા જેટલો થવાનો હતો. જોકે એ જ વખતે તેણે એક ખેડૂત પાસેથી પાવરપમ્પની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરતાં જોયો. તેણે ખેડૂત પાસેથી પમ્પમાં કેવી રીતે ઈંધણ વપરાય છે અને એન્જિનની કેપેસિટિ શું હોય એ સમજ્યું. એ પછી તેણે પોતાના ઘરે સાઈકલનો કાયાકલ્પ કરવાનું શરૂ કર્યું. જિતેન્દ્રએ મોટરસાઈકલના એન્જિનને સાઈકલમાં લગાવી દીધું. જમણા હાથની બ્રેકને એકસેલરેટર બનાવી દીધું અને ડાબા હાથની બ્રેકથી બન્ને ટાયર પર બ્રેક લાગે એવી વ્યવસ્થા કરી. આ સાઈકલની ખાસિયત એ છે કે એમાં ૩૩ સીસીનું એન્જિન છે જે ૧૨૦૦ રોટેશન પર મિનિટની રફતાર પકડે છે. દસથી પંદર હજાર રૂપિયામાંએ બની જાય છે અને મેઈન્ટેનન્સ પણ ખાસ નથી. સૌથી મહત્વની વાત તો એ કે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ સાઈકલ એક લીટર પેટ્રોલમાં ૧૦૦ થી ૧૨૫ કિલોમીટરની એવરેજ આપે છે.

(4:11 pm IST)