Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સિરિંજની કિંમત પર ૧૨૫૧% સુધીનો નફો કરી રહ્યા છે ડિસ્ટ્રીબ્યુટર્સ

સિરિંજની રીટેલ પ્રાઇસ તે ભાવથી સરેરાશ ૬૬૪ ટકા વધારે

નવી દિલ્હી તા. ૭ : દેશમાં સિરિંજ અને નીડલ્સ બનાવતી કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ તગડો નફો કરી રહ્યા છે. સિરિંજ અને નીડલ્સ પર માર્જિન ૨૧૪ ટકાથી લઈને ૧૨૫૧ ટકા સુધીનું છે. દરેક પ્રકારની સિરિંજની રીટેલ પ્રાઈસ તે ભાવથી સરેરાશ ૬૬૪ ટકા વધારે હોય છે. આ વાત નેશનલ ફાર્માસૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવી છે.

 

રિપોર્ટમાં આ પ્રોડકટ્સના ટ્રેડ માર્જિન વિષે ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જો ઉદાહરણથી સમજીએ તો ૧૬ રૂપિયાની કિંમતની સિરિંજને લગભગ ૯૭ રૂપિયામાં વેચવામાં આવી રહી છે, આ કિંમત ૨૦૦ સુધી પહોંચી શકે છે.

થોડાક મહિના પહેલા દેશમાં સિરિંજ અને નીડલ્સ બનાવતી અમુક કંપનીઓએ પોતાની પ્રોડકટ્સના ભાવ ઘટાડવાનો નિર્ણય પોતાના લેવલ પર કર્યો હતો જેથી ડ્રગ પ્રાઈસિંગ રેગ્યુલેટર તરફથી થતા પ્રાઈસ કંટ્રોલનો તેમણે સામનો ન કરવો પડે. આમાંથી મેન્યુફેકચરર્સનો દાવો છે કે, આ નિર્ણય તેમને ઘણો મોંઘો પડ્યો છે.

NPPAના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિરિંજની MRP સરેરાશ ૨૧૪થી ૬૬૪ ટકા સુધી વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે, નીડલ વિનાની 50mlની હાઈપોડર્મિક ડિસ્પોઝેબલ સિરિંજની એવરેજ પ્રાઈઝ ટુ ડિસ્ટ્રીબ્યૂટર(PTD) ૧૬.૯૬ બતાવાવમાં આવી છે, જયારે તેની MRP ૯૭ રૂપિયા છે. નીડલ સાથેની 0.5mlની હાઈપોડર્મિક ઓટોડાઈજેબલ સિરિંજની એવરેજ PTD ૨.૬૦ રૂપિયા છે, જયારે તેની સરેરાશ MRP ૧૨ રૂપિયા છે.રિપોર્ટ અનુસાર, અલગ અલગ પ્રકારની સિરિંજ પર મેકિસમમ ટ્રેડ માર્જિન ૨૧૪ ટકાથી લઈને ૧૨૫૧ ટકા સુધીનું છે. નીડલ્સ પર સરેરાશ ટ્રેડ માર્જિન ૮૩ ટકાથી ૩૫૬ ટકા સુધીનું છે. પેશન્ટ એકિટવિસ્ટ ગ્રુપ ઓલ ઈન્ડિયા ડ્રગ એકશન નેટવર્કના માલિની એસોલાએ કહ્યું કે, ડેટા પરથી લાગી રહ્યું છે કે જાણીજોઈને આ કિંમતો વધારવામાં આવી છે. સિરિંજ અને નીડલ્સ સામાન્ય વપરાશની વસ્તુઓ છે. તેનું બિલ ઘણું વધારે આવે છે. હોસ્પિટલ્સ બિલ વધારવા માટે તેનો આડેધડ ઉપયોગ કરે છે. મોટાભાગના દર્દીઓ આનાથી આજાણ હોય છે.(૨૧.૧૯)

(11:58 am IST)