Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

એરસેલ કેસઃ ઇડીનો ધડાકોઃ ષડયંત્રમાં સામેલ હતો ચિદમ્બરમ્

પૂર્વ નાણામંત્રીની પૂછપરછનો તખ્તો તૈયારઃ ઇડીએ દાખલ કરેલા સોગંદનામામાં સનસનીખેજ આરોપો

નવી દિલ્હી તા. ૭ : એરસેલ-મેકિસસ ડીલમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)એ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી સોગંદનામામાં EDએ આરોપ લગાવ્યો છે કે એરસેલ-મેકિસસને FIPB (ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ) પાસેથી મંજૂરી આપવાના 'ષડ્યંત્ર'માં પી. ચિદમ્બરમનો હાથ હતો.

ઈડીએ કહ્યું કે ષડ્યંત્ર હેઠળ તથ્યોને છુપાવવામાં આવ્યા જેથી આ મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે ન મોકલવા પડે અને નાણાં મંત્રાલયે જ તેને મંજૂરી આપી દીધી. સોગંદનામામાં ED એ FIPBના તત્કાલિન સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી સહિત મોટા અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જે એજન્સી મુજબ ષડયંત્રમાં સામેલ હતા.

ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ તે વાત પર યથાવત છે કે EDની સાથે-સાથે CBI દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે મોદી સરકાર આમ કરી રહી છે.

પોતાના સોગંદનામામાં EDએ કહ્યું કે એરસેલે ૨૦૦૬માં ૩,૫૦૦ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લાવવાની પરવાનગી માગી હતી પણ નાણાં મંત્રાલયે આ આંકડાને ઓછા કરીને દર્શાવ્યા. EDના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે આ મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે જતા અટકાવ્યા માટે એરસેલને માત્ર ૧૮૦ કરોડ રૂપિયાની FDI માટે મંજૂરી માગી છે. તે સમયે લાગુ નિયમો પ્રમાણે ૬૦૦ કરોડ રૂપિયા સુધી વિદેશી રોકાણને નાણાં મંત્રી FIPB હેઠળ મંજૂરી આપી શકતા હતા.

EDના સોગંદનામામાં તેના તરફથી સુપ્રીમ કોર્ટમાં એરસેલ-મેકિસસ કેસની તપાસને લઈને દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટનો ભાગ છે. કોર્ટમાં શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

EDએ આરોપ લગાવ્યો છે કે એરસેલને FIPBથી મંજૂરી મળવાના અવેજમાં પૂર્વ નાણાં મંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમને ૧૧ એપ્રિલ ૨૦૦૬એ ૨૬ લાખ રૂપિયા આપ્યા હતા.

EDના સોગંદનામામાં પી. ચિદમ્બરમને કથિત FIPB સ્કેમ હેઠળ ઝડપી તપાસના કેન્દ્રમાં લવાયા છે. ત્યાં સુધી કે વાત મહત્વપૂર્ણ છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ (PMLA) હેઠળ અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટમાં પૂરાવા તરીકે માન્યતા છે. આ મામલાની પણ PMLA હેઠળ તપાસ થઈ રહી છે.

EDએ સોગંદનામામાં દાવો કર્યો છે કે તેણે આ મામલે તપાસ દરમિયાન મે ૨૦૧૪થી ૨૦૦૯ અને ઓગસ્ટ ૨૦૧૨થી મે ૨૦૧૪ની વચ્ચેની FIPB સાથે જોડાયેલી ૨,૭૨૧ ફાઈલોને તપાસી છે. જેમાંથી એરસેલ કેસ સહિત ૫૪ એવી ફાઈલો પર EDએ ફોકસ રાખ્યું છે, જેમાં પી. ચિદમ્બરમે મંજૂરી આપી હતી.

EDએ જુલાઈ ૨૦૧૬થી ઓકટોબર ૨૦૧૬ વચ્ચેની FIPBના અધિકારીઓની પૂછપરછનો પહેલો તબક્કો પૂર્ણ કર્યો હતો. FIPBના તત્કાલિન અંડર સેક્રેટરી રામ શરણ અને ડેપ્યુટી સેક્રેટરી દીપક સિંહની ઈડીએ ઊંડી પૂછપરછ કરી હતી અને તેમના નિવેદનો નોંધ્યા હતા.

સોગંદનામા મુજબ FIPB અધિકારીઓએ જણાવ્યું કે ૮૦ કરોડ ડોલર (૩,૫૦૦ કરોડથી વધુ)નું રોકાણ થયું હતું અને આ મામલો આર્થિક મામલાની કેબિનેટ સમિતિની પાસે જવો જોઈતો હતો. પણ ષડ્યંત્ર હેઠળ એવું દર્શાવવામાં આવ્યું કે માત્ર ૧૮૦ કરોડ રૂપિયાના વિદેશી રોકાણને મંજૂરી માગવામાં આવી છે અને તત્કાલિન નાણાં મંત્રીએ તેને મંજૂરી આપી દીધી, જયારે તેમને તેનો અધિકાર નહોતો.(૨૧.૫)

 

(9:41 am IST)