Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કેરળ હાઇકોર્ટનો ચુકાદો

અનધિકૃત રોકડ ઉપાડની જવાબદારીમાંથી બેંક છટકી ન શકે

કોચી તા. ૭ : કેરળ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે બેંક તેના ગ્રાહકના ખાતામાંથી કરવામાં આવેલા અનધિકૃત ઉપાડની જવાબદારીમાંથી હાથ ના ખંખેરી શકે.

ન્યાયમૂર્તિ પી. બી. સુરેશકુમારે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રાહક એસએમએસ એલર્ટનો જવાબ ના વાળે તો પણ ગ્રાહકના ખાતામાંથી કરવામાં આવેલા અનધિકૃત ઉપાડ માટે બેંક જવાબદાર ગણાય.

એસએમએસના આધાર પર ગ્રાહકની જવાબદારી નક્કી ના કરી શકાય. એવા ઘણા ખાતાધારકો હશે, જેઓ નિયમિતપણે એસએમએસ એલર્ટ પર ધ્યાન નહીં આપતા હોય, એમ કોર્ટે જણાવ્યું હતું. અનધિકૃત ઉપાડને કારણે ગ્રાહકને ૨.૪ લાખ રૂપિયાના નુકસાન સંબંધી કેસમાં નીચલી અદાલત દ્વારા બેંકને ગ્રાહકને વળતર આપવાનું જણાવતા આદેશના વિરોધમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંબંધી હાઇ કોર્ટે ઉપરોકત આદેશ આપ્યો હતો. ગ્રાહકે બેંક પાસે તેની ગુમાવેલી રકમનું વ્યાજ સહિત વળતર માગ્યુ હતું.

બેંકે એસએમએસ એલર્ટ રજી કરી દલીલ કરી હતી કે ગ્રાહકે એસએમએસ એલર્ટનો જવાબ નહીં વાળ્યો હોવાથી બેંક જવાબદાર ગણાય નહીં. 'એક વાત નક્કી છે કે બેંક જયારે ગ્રાહકોને સેવા આપે છે ત્યારે ગ્રાહકોના હિતની જાળવણી કરવાની બેંકની ફરજ બને છે, જેમાંથી બેંક છટકી શકે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.' (૨૧.૭)

(10:27 am IST)