Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ડોનલ્ડ ટ્રમ્પ અને પોપ ફ્રાન્સિસ સિવાય દુનિયાના બધા જ નેતાઓને ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાછળ પાડ્યા

લંડન તા.૭: ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યાની દૃષ્ટિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ખ્રિસ્તીઓના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસને છોડીને દુનિયાભરના તમામ નેતાઓથી આગળ થઇ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોશ્યલ મીડિયાનું પ્રભુત્વ વધ્યું છે. સેલિબ્રિટીઓ અને રાજનેતાઓ પણ તેમના ચાહકોના સંપર્કમાં રહે માટે એનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે તો દુનિયાના મોટા નેતાઓ પોતાના ઓફિશ્યલ સ્ટેટમેન્ટ્સ પણ ટ્વિટર પર જાહેર કરે છે.

રાજનેતાઓની વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની બરાબરી કોઇ કરી શકે એમ નથી, પરંતુ હાલના રાષ્ટ્રપ્રમુખોની યાદીમાં ઓબામાને સામેલ ન કરી શકાય એમ હોવાથી ટોપ ટેનની સૂચિમાં અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ નંબર વન પર છે. ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા ૪.૭૫ કરોડની છે. બીજા નંબરે છે વેટિકન સિટીના પ્રમુખ અને ખ્રિસ્તીઓના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસ. તેમના અલગ-અલગ ભાષામાં નવ ઓફિશ્યલ ટ્વિટર અકાઉન્ટ્સ છે. એ દરેકના ફોલોઅર્સનો સરવાળો કરીએ તો ૪.૪૯ કરોડ થાય છે. આ યાદીમાં ત્રીજા નંબરે છે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આજની તારીખમાં તેમના ફોલોઅર્સ ચાર કરોડ છે. નવાઇની વાત એ છે કે આ યાદીમાં ચોથા નંબરે નરેન્દ્ર મોદીની ઓફિસનું અકાઉન્ટ છે. જેના ફોલોઅર્સ ૨.૪૭ કરોડ છે.(૧.૩)   

(11:40 am IST)