Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પતિની સોપારી આપી પત્નીએ કરાવી હત્યા : મૃતદેહનો ઉતાર્યો વીડિયો

છાતીમાં દેખાઈ રહેલા ગોળીઓના નિશાન અને લોહીની તસવીરો લેતી હતી :મૃતકના સંબંધીઓને આ વાત વિચિત્ર લાગતા પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો

બિહારના ગયા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પત્નીએ જ સોપારી આપીને પતિની હત્યા કરાવી છે. આ ઘટના બાદ શોક વ્યક્ત કરવાને બદલે તેણે તેનો વીડિયો બનાવ્યો હતો

હત્યાના કલાકો પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રસ્તા પર પડેલા વેપારીના મૃતદેહ પાસે પીળા સૂટમાં ઊભેલી એક મહિલા વેપારીની છાતીમાં દેખાઈ રહેલા ગોળીઓના નિશાન અને લોહીની તસવીરો લઈ રહી છે.

મૃતકના સંબંધીઓને આ વાત વિચિત્ર લાગી. જે બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

તેના પછી પોલીસને મોટી સફળતા મળી. પોલીસે હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેની સાથે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. આ અંગે ગયાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક આદિત્ય કુમારે જણાવ્યું કે 23 ઓક્ટોબરની રાત્રે જિલ્લાના શેરઘાટી પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝી મોહલ્લામાં આવેલી રૂબી શૃંગારની દુકાનના સ્ટાફ મોહમ્મદ તૈયબ આલમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તપાસમાં લાગેલી પોલીસને આ સંબંધિત વીડિયો મળ્યો તો સમગ્ર મામલો સામે આવ્યો.

મહિલાનું અસલી રૂપ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મૃતકની પત્નીએ આખી જીંદગી તેના પ્રેમી સાથે વિતાવવા પતિની હત્યા કરી નાખી હતી. ગુનેગારોએ મૃતકના ઘર પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ મૃતકની પત્ની ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેણે આંસુ વહાવવાને બદલે લાશનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

(12:03 am IST)