Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હાય રે મંદી... કસ્ટમની આવકમાં ઘરખમ ઘટાડો

રૂ.૬૯૫૩૦ કરોડના ટાર્ગેટ સામે ઓકટોબર સુધી આવક થઇ માત્ર ૩૭૦૮૫ રૂ.

નવી દિલ્હી, તા.૬: ગુજરાત કસ્ટમ્સને ઓકટોબર-૨૦૧૯ સુધીમાં રૂ. ૩૭૦૮૫ કરોડની આવક થઇ છે. ચાલુ વર્ષે ગુજરાત કસ્ટમ્સને રૂ. ૬૯૫૩૦ કરોડની વસૂલાતનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે. આ ટાર્ગેટ બાકીના પાંચ મહિનામાં પૂરો કરવા ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. જોકે, વૈશ્વિક મંદીને કારણે આયતનું પ્રમાણ દ્યટી રહ્યું છે તેથી ડ્યૂટીની આવક પણ દ્યટી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

કસ્ટમ્સના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ મંદીને કારણે ગુજરાત કસ્ટમને મોટો ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને ગોલ્ડ તથા પામ ઓઇલ અને સોયાબિન ઓઇલની આવક દ્યટી રહી છે. તેથી કસ્ટમની આવક દ્યટી રહી છે. પેટ્રોલ તથા ડીઝલની આયાત યથાવત્ રહેવાથી તેની ડ્યૂટીની આવકમાં કોઇ જ ફરક પડ્યો નથી. એડિબલ ઓઇલ પર કસ્ટમ ડ્યૂટી વધારે છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાનું મૂલ્ય દ્યટવાને કારણે તેમજ કસ્ટમ ડ્યૂટી ટેરિફ વેલ્યૂ પ્રમાણે કરવાને કારણે ભાવમાં દ્યણો તફાવત આવી રહ્યો છે. જુદા જુદા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પરની ડ્યૂટીમાં પણ ફરક આવી રહ્યો છે. ચાલુ વર્ષે ટાર્ગેટ પૂરો કરવા તમામ પોર્ટ, એરપોર્ટ તથા આઇસીડી પર કસ્ટમ અધિકારીઓને ડ્યૂટી ચોરી અટકાવવા માટે ખાસ સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા છે.

દેશમાં બેંકો જ કાયદેસર સોનાની આયત કરી શકે છે. જોકે, જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તેને કારણે સોનાની આયાત દ્યટી રહી છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે સોનાની આયાતમાં મોટો દ્યટાડો થયો છે. તેથી સોના પરની ડ્યૂટીની આવક પણ દ્યટી છે.

ગુજરાત કસ્ટમને ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષમાં વધુ રૂ. ૮૦૮૮ કરોડનો ટાર્ગેટ અપાયો છે. ગત વર્ષે કસ્ટમનો ટાર્ગેટ રૂ. ૬૧૪૪૨ કરોડનો હતો. જે વર્ષ ૧૯-૨૦(ચાલુ વર્ષે) વધારીને રૂ. ૬૯૫૩૦ કરોડ કરી દેવાયો છે.

માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક મંદીને કારણે દેશમાં આયત દ્યટી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં કંડલા મુંદ્રા પોર્ટ પરતી પામ ઓઇલ સોયાબિન ઓઇલ અને ગોલ્ડની આયાત થતી હોય છે, તે દ્યટી રહી છે. આયાત કરતાં કસ્ટમ્સની ડ્યૂટીની આવક પણ દ્યટી છે.

- પીવીઆર રેડ્ડી, (પ્રિન્સિપલ ચીફ કમિશનર, કસ્ટમ્સ)

કઇ પ્રોડકટ પર કેટલા રૂપિયાની આવક

કોલસો    ૧૭૫૦ કરોડ

પામ ઓઇલ    ૬૮૬ કરોડ

સોયાબિન ઓઇલ    ૫૩૦ કરોડ

પેટ્રોલ    ૧૭૪૦ કરોડ

કોપર    ૪૦૦ કરોડ

ટીમ્બર    ૨૬૫ કરોડ

ડીઝલ    ૬૬૫ કરોડ

સોનું    ૫૭૧ કરોડ

(સપ્ટેમ્બર સુધી)

(9:57 am IST)