Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

નૂતન વર્ષે અમેરિકા ખાતે SGVP, સવાનાહ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં, દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી ૫૫૦ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

જ્યોર્જિયા, અમેરિકા તા. ૨ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતા દરેક ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દીવાળીના પાવન દિવસોમાં પૂજ્ય ધર્મપ્રિયદાસજીદાસજી સ્વામી તથા દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે દીપાવલી મહોત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાયો. જેમાં કાળી ચૌદશના દિવસે સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરમાં ૧૦૮ હનુમાનચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ‘સર્વે ભવન્તુ સુખીનઃ’ના ઉદ્દેશ સાથે મંદિરના પુજારી શાસ્ત્રી તુષારભાઈ વ્યાસ તથા શાસ્ત્રી અંકિતભાઈ રાવલે મારૂતિ યાગ કરાવ્યો હતો. આ યજ્ઞના યજનામ પદે શ્રી સમિરભાઈ પટેલે લાભ લીધો હતો.

દીપાવલીના દિવસે સનાતન મંદિરને લાઈટીંગ તથા અન્ય શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ દેવોની સમક્ષ ૫૫૦ જેટલી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ અન્નકૂટની તમામ વાનગીઓ બનાવવામાં ટેમ્પા નિવાસી શ્રી મુકેશભાઈ પટેલે ખૂબ જ ભક્તિભાવથી સેવાઓ કરી હતી.

સાથે સાથે લક્ષ્મી પૂજન-ચોપડા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ મુંબઈના પ્રસિદ્ધ ‘સ્વર સરિતા’ મ્યઝીકલ ગ્રુપે દીપોત્સવના ગીતોનું ગાન કરી સર્વ ભક્તોને મંત્રમૂગ્ધ કર્યા હતા તથા બાળ વિકાસ કેન્દ્રના બાળકોએ વિવિધ નૃત્યો રજુ કરી પોતાની કળા પ્રદર્શિત કરી હતી.

મહોત્સવના અંતે સંધ્યા સમયે ભગવાનની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક હજારથી વધારે ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. અંતે સહું અન્નકૂટનો પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા.

(1:02 pm IST)