Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભયાનક વાવાઝોડા બાદ ભૂસ્ખલન

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : એકનું મોત : ૨૦ ઇજાગ્રસ્ત

ટોકિયો તા. ૬ : જાપાનના ઉત્તરીય દ્વીપ હોક્કાઇડોમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે એકનું મોત થયું છે અને ર૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હોક્કાઇડોમાં ભૂકંપ બાદ ભૂસ્ખલનથી કેટલાંય ઘર ધરાશાયી થઇ ગયાં હતાં અને કેટલાંય ઘરને નુકસાન પહોંચ્યું હતું. ર૦થી વધુ લોકો લાપતા થયા છે.

અમેરિકાના જિયો સાયન્ટિફિક સર્વેક્ષણના અહેવાલ અનુસાર ભૂકંપનું એપી સેન્ટર હોક્કાઇડોના મુખ્ય શહેર સપ્પોરોથી ૬૮ કિ.મી. દૂર દક્ષિણ- પૂર્વમાં હતું. ભૂકંપ બાદ કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.સરકારી ટીવી એનએચકેના અહેવાલ અનુસાર ઉત્સમી શહેરની નજીક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ ૧૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હોક્કાઇડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ છે. ભૂકંપથી હોક્કાઇડો અને ન્યુચિટોસ એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અહેવાલો અનુસાર આ બંને એરપોર્ટની સેેવાઓ આજે સ્થગિત કરી દેવામાં આવી છે.(૨૧.૩૪)

(4:31 pm IST)