Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૧૩મા ઉપવાસે હાર્દિકની તબિયત લથડી

ઉભા થવા અને ચાલવામાં તકલીફ પડે છે : વ્હીલચેરમાં મિત્રોના સહારે બહાર આવ્યો : ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રતિક ઉપવાસના ધરણા અને રામધૂન * પાસે જાહેર કર્યા કાર્યક્રમો * રાજદ્રોહના ગુનામાં હાર્દિકની ડિસ્ચાર્જ પીટીશનની સુનાવણી

રાજકોટ, તા.૬ : પાટીદારો માટે શિક્ષણ - નોકરીમાં અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માગણી સાથે ૨૫ ઓગષ્ટથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ પાસના કન્વીનર શ્રી હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૩મો દિવસ શરૂ થયો છે. આજે હાર્દિકની તબિયત બગડતી જાય છે.

અમદાવાદ પાસના શ્રી નિખિલ સવાણીએ સોશ્યલ મીડીયા ઉપર શેર કરેલ હેવાલ મુજબ હાર્દિકને ઉભા થવામાં, ચાલવામાં તકલીફ પડી રહી છે. મિત્રોના સહારે વ્હીલચેરમાં બેસી હાર્દિક ઉપવાસી મંચ પરથી બહાર આવેલ.

તેની શારીરીક કમજોરી વધતી જાય છે. સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ અપાયુ છે કે નિવેડો લાવો નહિં તો હાર્દિક ફરીથી જળ છોડી દેશે.

દરમિયાન અમદાવાદના રાજદ્રોહના ગુન્હામાંથી હાર્દિક પટેલને ડિસ્ચાર્જ કરવા થયેલ રીટ પીટીશન ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ શ્રી એ. વાય. કોગ્જેની અદાલતમાં સુનાવણી સંભળાવવામાં આવે તેવી પૂરી શકયતા છે.

હાર્દિકના સમર્થનમાં અમરેલી, ટંકારા, મોરબી, ભાવનગર, ઉત્તર ગુજરાત સહિત ઠેર-ઠેર પ્રતિક ઉપવાસ, રામધૂન, મૂંડન સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે.

અનેક લોકો - મહાનુભાવો - ધારાસભ્યો સતત મળવા આવી રહ્યા છે. દરમિયાન જાણીતી ગાયિકા અલ્પા પટેલ આજે હાર્દિકના ખબર અંતર પૂછવા, સમર્થન આપવા ઉપવાસી છાવણીએ આવી પહોંચેલ છે.

પાસ દ્વારા અપાયેલા કાર્યક્રમ મુજબ આજે ગુજરાતના તમામ ૧૮૨ ધારાસભ્યો અને લોકસભા, રાજયસભાના તમામ સાંસદોને પાસના અગ્રણીઓ દેવામુકિત, અનામત તેમજ અલ્પેશ કથીરીયાની મુકિત માટે સમર્થન છે કે કેમ તે પૂછી રહ્યા છે. ટેપ પણ કરી રહ્યા છે. જે નિષ્કર્ષ આવશે તે હાર્દિક પટેલ અને પાસની કમીટી સમક્ષ મૂકાશે અને જાહેર પણ કરાશે.

પાસ કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. બુધવારે હાર્દિક પટેલને મુલાકાત માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પહોંચ્યા હતા. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) તરફથી ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ગુરુવારે પાસના સભ્યો તેમજ ખેડૂત સમાજના આગેવાનો ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદો અને રાજયસભાના સભ્યોને ફોન કરીને ખેડૂતોના દેવામાફી તેમજ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ કે નહીં તે અંગે પ્રશ્નો પૂછશે.

શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેએ હાર્દિકને સમર્થન જાહેર કર્યા બાદ આજે પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવનાર હોવાનું જાણવા મળે છે.

આજે ગુજરાતના ૧૮૨ એમએલએ, ૨૬ સાંસદ અને ગુજરાતના તમામ રાજય સભાના મેમ્બરોને પાસ અને ગુજરાતનો ખેડૂત સમાજ ફોન કરીને ખેડૂતોના દેવા માફીમાં સહમત છો કે નહીં, પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તે બે મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવશે. આ જવાબને રેકોર્ડ કરીને હાર્દિક પટેલ સુધી પહોંચાડવામાં આવશે. પાસ તરફથી તમામ ધારાસભ્યો અને સાંસદોને ફોન ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું છે. પાસના જણાવ્યા પ્રમાણે જો ધારાસભ્યો અને સાંસદો ફોન બંધ રાખશે તો એવું માની લેવાશે કે તેઓ ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતનું સમર્થન નથી કરી રહ્યા.

 શુક્રવારે એક ફોર્મ લઈને ગુજરાતના તમામ ૧૮૨ ધારાસભ્યો, સાંસદો અને રાજયસભાના મેમ્બરોના ઓફિસ અને ઘરે પાસના કાર્યકરો પહોંચશે. જેમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ અંગે તેઓ સહમત છે કે નહીં તેની સહિ લેવામાં આવશે. જો કોઈ ફોર્મ પર સહિ આપવાનો ઇન્કાર કરશે તો એવું માની લેવામાં આવશે કે તેઓ હાર્દિક સાથે સહમત નથી. રવિવારના રોજ પાટણથી મા ખોડલના મંદિરથી ખેડૂત સમાજ ઉમા-ખોડલનો રથ લઈને ઉંઝા ધામમાં આવશે. આ રથ પાટણથી પગપાળ ઉંઝા આવશે. રસ્તામાં આવતા તમામ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો રથનંુ સ્વાગત કરશે. આ રથ ઉંઝા પહોંચ્યા બાદ હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ભગવાન સરકારને સદબુદ્ઘિ આપે અને પાટીદારોને અનામત મળે તે માટે પ્રાર્થના કરવામાં આવશે.

(10:18 pm IST)