Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભારત - યુએસ વચ્ચે પ્રથમ ૨+૨ બેઠક : ડિફેન્સ ડીલ ઉપરાંત અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થશે

અમેરિકાના વિદેશ પ્રધાન પોમ્પીઓની ભારતની મુલાકાતે

નવી દિલ્હી તા. ૬ : ભારત અને અમેરિકા વચ્ચે પહેલી વખત ટુ પ્લસ ટુ બેઠકનું આયોજન કરાયું છે. આજે નવી દિલ્હી ખાતે ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને તેમના અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિઓ વચ્ચે મંત્રણા યોજાવાની છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ભારત-રશિયાના મિસાઇલ સોદા વિશે તથા ભારત-ઈરાનના ક્રૂડવ્યાપાર વિશે ચર્ચા થાય તેવી શકયતા છે, પરંતુ આ મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવશે નહીં.

તો બીજી તરફ આ બંને મુદ્દે ભારત પોતાનો પક્ષ મજબૂત રીતે મૂકવા માટે સજ્જ છે અને તેવા સંકેત આપી પણ દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત સુરક્ષા અને ઈંધણસંકટ અંગે અમેરિકાને પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી શકે છે. ભારતે એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત-રશિયાના મિસાઇલ સોદા તથા ભારત-ઈરાનના ક્રૂડવ્યાપાર મુદ્દે અમેરિકા સામે નમતું જોખાશે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશમંત્રીઓ ભાગ લેવાના છે, તેમાં આતંકવાદ, સંરક્ષણ, સહયોગ અને વ્યપાર જેવા મુદ્દે ચર્ચા થવાની છે. આ સિવાય બંને દેશો પાકિસ્તાનની નવનિયુકત સરકાર તથા એચવન-બી વિઝા પ્રક્રિયામાં થયેલા ફેરફાર અંગે ચર્ચા થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત બંને દેશો ઘણા સમયથી પેન્ડિંગ એવા સંચાર-સુરક્ષા સમજૂતી ઉપર પણ ચર્ચા કરીને એકમત થઈ શકે છે. આ જોડાણ થશે તો ભારતીય સેનાને મોટો ફાયદો થાય તેમ છે. ભારતીય સેના અમેરિકી ટેકિનકનો ઉપયોગ કરી શકશે.(૨૧.૧૧)

(11:46 am IST)