Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સરકાર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે : હાર્દિક

સમગ્ર પાટીદાર સમાજને સાવધાન રહેવા અપીલઃ ઉપવાસ આંદોલન તોડવા અને પાટીદારોને બદનામ કરવા ભાજપ અનેક ખેલ ખેલશે જેથી સાવધાની જરૂરી : હાર્દિક

અમદાવાદ, તા.૫: પાસના કન્વીનર હાર્દિક પટેલે આજે રાજય સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને તેને લઇ સમગ્ર પાટીદાર સમાજને સાવચેત રહેવા જાહેર અપીલ કરી હતી. તેણે જણાવ્યું કે, ૧૧ દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, તેથી હવે આંદોલનને તોડવા અને પાટીદારોને બદનામ કરવાનો ભાજપનો ખેલ ખેલેશે પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનો આપણે ધીરજ રાખવી. ભાજપ કે પોલીસની સામે ઘર્ષણમાં ના ઉતરો, ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને અધિકાર માંગો તેવી પણ તેણે હાકલ કરી હતી. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૨ દિવસ છે. તેના ઉપવાસના ૧૧માં દિવસે સરકાર સફાળી જાગી હતી. ગઇકાલે મંત્રી સૌરભે પટેલે હાર્દિકને તેના સ્વાસ્થ્યની સરકાર ચિંતા કરે છે તેવું જણાવ્યું હતું. સરકારે પાટીદાર સમાજની અગ્રણી છ સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું હતું કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ પાસના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ મારી સાથે જ ચર્ચા કરે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની છ સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યારબાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે. જો કે, અનામત મુદ્દે કોઇ ઉકેલ આવ્યો નથી.

(12:00 am IST)