Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વારાણસીમાં ત્રણ મહિના સુધી પ્રધાનોની ફોજ રહેશે

ચૂંટણી પહેલા મહાગઠબંધનની ઇફેક્ટને ઘટાડાશે : મંત્રીઓ લોકોની વચ્ચે પહોંચી પોતાના વિભાગેની માહિતી આપશે : મોદી ફરી વારાણસીથી જ ચૂંટણી લડે તેવી વકી

વારાણસી,તા. ૫ : લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મહાગઠબંધન તરફથી મળનાર પડકારોને ધ્યાનમાં લઇને ભાજપે હવે નવી રણનિતી પર કામગીરી શરૃ કરી દીધી છે. મોદી માટે ભાજપે ૨૫ પ્રધાનોની એક ટીમ ઉતારી દેવાની તૈયારી કરી છે અને આને લઇને રણનિતી અમલી પણ કરવામાં આવી ચુકી છે. ત્રણ મહિના સુધી વારાણસીમાં મંત્રીઓની ફોજ રહીને પોતાના વિભાગોની કામગીરી સંબંધમાં લોકોને માહિતી આપનાર છે. ભાજપે દાવો કર્યો છે કે મોદી ફરીથી વારાણસીથી જ ચૂંટણી લડનાર છે. મહાગઠબંધને મોદીને વારાણસીમાંથી ઘેરવા માટે ખાસ યોજના બનાવી છે. જેને ધ્યાનમાં લઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે વારાણસીમાં પ્રધાનોની ફોજ ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વારાણસી અથવા તો કાશીના લોકોને કેન્દ્ર સરકારની તમામ સફળતા અંગે વાકેફ કરવામાં આવનાર છે. કૃષિ પ્રધાન રાધામોહનસિંહ પહેલાથી જ ખેડુતોની સાથે બેઠક કરી ચુક્યા છે. ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ વારાણસી પહોંચીને જીડીપી ત્રણથી ચાર ટકા વધારી દેવાની વાત કરી છે. ત્યારબાદ ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મેનકા ગાંધી અને સ્મૃતિ ઇરાની પણ વારાણસી પહોંચીને કેન્દ્ર સરકારની સિદ્ધીઓને રજૂ કરનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે કેટલા કામ કરવામાં આવ્યા છે તે બાબતથી લોકોને વાકેફ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે સુર્યા ફાઉન્ડેશનના રિપોર્ટની નકલ પહોંચી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વારાણસીના લોકો સુધી હજુ મુળભુત સુવિધા પહોંચી નથી. સ્વચ્છતા મિશન પણ અસરકારક રીતે કામ કરી રહ્યુ નથી. મોદી છેલ્લે જ્યારે વારાણસી આવ્યા હતા ત્યારે પ્રોટોકોલ તોડીને એવી જગ્યાએ પણ ગયા હતા જ્યાં તેમને ગંદકી અંગે સમાચાર મળ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રસ્તા પર મોટા ખાડાના કારણે પરેશાન દેખાયા હતા.

(12:00 am IST)