Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

માલ વેચનારે GST વસૂલ્યા પછીય ન ભર્યો હોવાથી

માલ ખરીદનાર વેપારીને GST જમા કરાવવા નોટિસને ધરપકડની ધમકી

વેપારીઓ કહે છે અમે તો બિલની રકમ અને GST ચૂકવી દીધો છે, સરકારી તિજોરીમાં જમા ન કરાવનારને પકડો : માત્ર રૂ. ૫૦૦૦ બાકી હોય તેવા ૧૫ વેપારીઓને ધરપકડની ચિમકી

નવી દિલ્હી,તા.૬: કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસની કચેરીએ માલ ખરીદીને બિલ સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ચૂકવી દેનારા પણ માલ વેચનારે જીએસટી સરકારની તિજોરીમાં જમા ન કરાવ્યો હોવાથી સેંકડો વેપારીઓને નોટિસ આપી છે.

કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ કચેરીના અધિકારીઓએ બોગસ બિલિંગની લાઈન પર આ નોટિસ મેળવનારાઓ સામે તપાસ ચાલુ કરી છે. પરંતુ વેપારીઓ કહે છે કે તેમણે માલ ખરીદીને પેમેન્ટ કર્યું છે. ગત ૧૫મી ફેબુ્રઆરી બાદ આ પ્રકારના કેસોમાં બસોથી ત્રણસો નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીઓની એવી દલીલ છે કે આ કેસમાં તપાસ કરી રહેલી સરકારી એજન્સીઓ પાસે માલ વેચનારના જીએસટી નંબર અને તેમની સંપૂર્ણ વિગતો મોજૂદ છે. તેમ છતાંય તેઓ તેમને શા માટે નોટિસ આપીને પરેશાન કરી રહ્યા છે.

અમે અમારા બિલના નાણાં અને તેના પર ચૂકવવાના થતાં જીએસટીના નાણાં ચૂકવી દીધા છે. આ સંજોગોમાં એકવાર અમે જીએસટી ચૂકવી ચૂકયા છીએ. તેમ છતાંય કાયદાની કલમ બતાવીને અમારી પાસેથી તે પરત વસૂલવાની કરવામાં આવી રહેલી માગણી કાયદાની ક્ષતિ  દર્શાવે છે.

અમારી પાસેથી જીએસટી વસૂલ કરવાને બદલે અમે જે સપ્લાયર વેપારીઓને જીએસટી ચૂકવી દીધો છે તેમની પાસેથી રિકરવી કરવી જોઈએ. તેને બદલે અમને ડરાવવામાં આવી રહ્યા છ ેતે ઉચિત નથી. સરકારી તંત્રએ આપેલી નોટિસમાં ધરપકડ કરવાની આપવામાં આવેલી ચિમકીથી વેપારીઓને ડર લાગી લાગી રહ્યો છે.

વેપારીઓ ટેકસ પેયર્સ પ્રોટેકશન કાઉન્સિલના માધ્યમથી ટેકસ ટેરર ફેલાવવાના અધિકારીઓ સામે કોર્ટમાં જવાનું આયોજન કરી રહી છે. કારણ કે વેપારીએ રૂ. ૫ કરોડથી વધુ રકમની બોગસ ઇનપુટ ટેકસ ક્રેડિટ લીધી હોય ત્યારે જ તેની ધરપકડ કરી શકાય તેવી જોગવાઈ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ એકટમાં  જ કરવામાં આવેલી છે.

આ સંજોગોમાં રૂ. ૨, ૫, ૧૦ કે ૧૫ લાખ બાકી હોય તેવા વેપારીઓને ધરપકડ કરવાની નોટિસ આપીને ડરાવવાનું અધિકારીઓએ બંધ કરવું જોઈએ. માત્ર રૂ. ૫૦૦૦ જેવી નાની રકમ બાકી હોવા છતાંય ધરપકડ કરવાની ચિમકી આપવામાં આવી હોવાની વેપારીઓની ફરિયાદ છે. 

તેની સામે જીએસટી કચેરીના અધિકારીઓનું માનવું છે કે આ બિલો બોગસ બિલોનો જ એક હિસ્સો છે. તેમણે માત્ર બિલ આપીને બોગસ ઇનપુટ ટેકસ ઉઘરાવી લીધી છે. તેમણે આપેલી નોટિસમાં આ હકીકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેથી તેમની સામે ધરપકડ કરવા સહિતના કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે. તેમણે લીધેલી ઇનપુટ ટેકસ ક્રેડિટ અને તેના પર પેનલ્ટી પણ લગાડીને તે વસૂલ કરવામાં આવશે. આ કેસમાં તેઓ આગળ તપાસ ચલાવી રહ્યા છે.

જીએસટીની નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે માલનો સપ્લાય કરનાર એમ કહે છે કે તેમણે સ્વીકાર્ય ન બની શકતી ઇનપુટ ટેકસ ક્રેડિટના વેપારીઓને પરત આપી દીધા છે. આ સંજોગોમાં નોટિસમાં એવી ચિમકી પણ આપવામાં આવી છે કે જે વેપારીઓએ ઇનપુટ ટેકસ ક્રેડિટ ન લીધી હોય તે વેપારીઓએ ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાનું અટકાવી દેવાનું રહેશે.

તેમ જ જે વેપારીઓએ ઇનપુટ ટેકસ ક્રેડિટ લઈ લીધી હોય તેમને તેમને ક્રેડિટની તે રકમ ડિપાર્ટમેન્ટમાં પરત જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમ પરત જમા ન કરાવે તો તેમને પાસેથી રિકવરીની અને તેના પર પેનલ્ટી વસૂલવાની પ્રક્રિયા ચાલુ કરવા જણાવવામાં આવ્યું છે.

(10:23 am IST)