Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ઉત્તરપ્રદેશની રાજધાની લખનવમાં ફાઈટર વિમાનનું ચોરાયેલુ ટાયર મળ્યું ખરૂં

ચોર ટ્રકનું વ્‍હીલ સમજીને ટાયર લઇ ગયેલ પરંતુ જાણ થતા પરત મુકી ગયેલ

 

નવી દિલ્‍હી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનવ ખાતે ચોરાયેલું ફાઈટર પ્લેન મિરાજનું પૈડું મળી ગયું છે. જે ચોરોએ તે પૈડાની ચોરી કરી હતી તેમણે જ તેને પરત કરી દીધું છે. ચોરોના કહેવા પ્રમાણે તેમને ખબર નહોતી કે તે મિરાજનું ટાયર છે. તેઓ તેને ટ્રકનું પૈડું સમજીને ચોરી ગયા હતા. જોકે, ટાયર મળ્યા બાદ હજુ પણ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

લખનવ પોલીસ કમિશ્નરેટ દ્વારા નિવેદન બહાર પાડીને ચોરી થયેલું ટાયર મળી ગયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2 યુવકોએ બીકેટી એરફોર્સ સ્ટેશન ખાતે અધિકારીઓને આ ટાયર સોંપી દીધું છે. આ ટાયર શહીદ પથના કિનારેથી ચોરી થયું હતું. ગત 01 ડિસેમ્બરના રોજ આ મામલે કેસ નોંધાયો હતો.

દીપરાજ અને હિમાંશુ નામના યુવાનોએ આ ટાયરની ચોરી કરી હતી. સંબંધની રીતે દીપરાજ એ હિમાંશુનો ફુઆ છે. બંનેએ જણાવ્યું કે, 26 નવેમ્બરની રાતે 10:30થી 10:45 વચ્ચે શહીદ પથ ખાતેથી એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઈ ગયા હતા. બાદમાં 03 ડિસેમ્બરના રોજ સમાચાર માધ્યમો દ્વારા મિરાજનું ટાયર ચોરાયું હોવાની જાણ થઈ હતી અને તે શહીદ પથ ખાતેની ઘટના હોવાનો ઉલ્લેખ થયેલો હતો. આ કારણે તેમને તેમના પાસે રહેલું ટાયર મિરાજનું હોવાનું અનુભવાયું હતું. તે ટાયર થોડું અલગ પણ લાગતું હતું. બાદમાં તેમણે તે ટાયર વાયુસેનાને સોંપી દીધું હતું.

(3:51 pm IST)