Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

INX મીડિયા કેસ : જુની ફાઇલો ખોલવાનું બંધ કરો

૭૧ પૂર્વ નૌકરશાહોએ પીએમ મોદીને લખ્યો પત્ર : નાણા મંત્રાલયના પૂર્વ ઓફીસરો સામે પગલા પર ઉઠાવ્યો વાંધો : આ કેસમાં થઇ રહેલી કાર્યવાહી અંગે ચિંતા દર્શાવી : એક યોગ્ય સમય ગાળો હોવો જોઇએ જે પછી ફાઇલો ફરી ખોલવી જોઇએ નહિ

નવી દિલ્હી, તા. પ : આઇએનએકસ મીડિયા મામલાને લઇને ૭૦થી વધુ પૂર્વ ઓફીસરોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. પૂર્વ નૌકરશાહોએ આ મામલામાં નાણા મંત્રાલયના પૂર્વ અધિકારીઓને આ કેસમાં આરોપી બનાવવા અંગે ચિંતા વ્યકત કરી છે.

આ મામલે ખુલ્લર, અનુપ પૂજારી, પ્રબોધ સકસેના અને રવિન્દ્ર પ્રસાદ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ નૌકરશાહોનું કહેવું છે કે સંકીર્ણ રાજકીય ફાયદા માટે પૂર્વ અને વર્તમાન અધિકારીઓને જાણી જોઇને નિશાના પર લેવામાં આવી રહ્યા છે. નિવૃત નૌકરશાહોનું કહેવું કે પૂર્વ નોકરાશાહો પર કેસ નોંધવાના ગંભીર પરિણામો આવશે.

પત્રમાં જણાવાયું છે કે સરકારે નીતિગત પંગુતાને દૂર કરવા ભ્રષ્ટાચાર નિરોધ એકટમાં ગયા વર્ષે સંશોધન કર્યું હતું. જેમાં રિટાયર્ડ અધિકારીઓ કે સેવાઓ વિરૂદ્ધ કેસ ચલાવતા પહેલા સરકારની મંજૂરી લેવાની વાત હતી, પણ વર્તમાન પગલુ સરકારના પ્રયાસોને નુકસાન પહોંચાડશે.

અધિકારીઓએ કહ્યું છે કે, એ દુર્ભાગ્ય પૂર્ણ છે કે એવા લોકો સામે કાર્યવાહી થઇ રહી છે જે સેવામાં નથી. આ અધિકારીઓ વિરૂદ્ધ અપરાધિક કેસ ચલાવાય છે જે સ્પષ્ટ રીતે રાજકીય વેરવૃતિથી થયેલા છે.

આ અગાઉ નિવૃત અધિકારીઓએ મોદીને મોબ લીન્ચીંગ અને અભિવ્યકિતની સ્વતંત્રતા અંગે પત્રો લખ્યા છે પણ આ પહેલીવાર છે કે આ લોકોએ પોતાની સેવા સાથે જોડાયેલ મુદ્દાને ઉઠાવ્યો છે.

પત્રમાં કહેવાયું છે કે, આ પ્રકારની કાર્યવાહી પરિશ્રમ-પ્રમાણિક ઓફીસરોને મહતવના નિર્ણયો લેવામાં હતોત્સાહિત કરશે. તેઓની માંગ છે કે, એક યોગ્ય સમયગાળો હોવો જોઇએ જે પછી ફાઇલો ફરી ખોલવી ન જોઇએ. સહી કરનારામાં કે.એમ. ચંદ્રશેખર, શિવશંકર મેનન, સુજાતાસિંહ, જુલીયો રિબેરો વગેરે છે.

આ કેસમાં ચિદમ્બરમાં હાલ જેલમાં છે.

(11:29 am IST)