Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઇન્કમટેકસ રિટર્નમાં ભૂલ હશે તો હવે સીધું સ્ક્રૂટિનીમાં જશે

રિટર્નની સ્ક્રૂટિની હવે સોફટવેર દ્વારા જ થશે

નવી દિલ્હી, તા. પ : પાનકાર્ડ હોવા છતાં ઇન્કમટેકસ રિટર્ન નહીં ભરનારા લોકો સામે હવે વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઇ રહી છે આવા લોકોને વિભાગે નોટિસ ઇશ્યૂ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ હવે જે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, પરંતુ તેમના ઇન્કમટેકસ રિટર્નમાં ઓછી આવક બતાવી રહ્યા છે અથવા તો રિટર્નમાં અધૂરી માહિતી આપી રહ્યા છે તે તમામ સામે પણ વિભાગ હવે એકશનમાં આવ્યો છે. આવા કરદાતાઓને સરળતાથી પકડી શકાય તેના માટે બહુ જ ટૂંક સમયમાં ઇ-સ્ક્રૂટિની પદ્ધતિ અમલમાં આવી રહી છે.

હાલમાં દિલ્હી સહિતના કેટલાક શહેરોમાં આ પાઇલટ પ્રોજેકટ તરીકે આ પદ્ધતિ અમલી થઇ ચૂકી છે. અત્યાર સુધી જૂની પદ્ધતિ મુજબ ર૦૦ જેટલા કેસ એટલે કે ઇન્કમટેકસ રિટર્ન હોય તો તેમાંથી રેન્ડમ એક અથવા બે કેસની સ્ક્રૂટિની કરવામાં આવતી હતી હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવી પદ્ધતિ મુજબ જેટલા પણ અધૂરી માહિતીવાળા કેસ હશે તેવા તમામ ઇન્કમટેકસ રિટર્નની ચકાસણી કરવામાં આવશે.(૮.

વિભાગના અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેકટ જલ્દીથી ગુજરાતમાં અમલી થશે, જેનો હેતુ કરચોરી અટકાવવાનો છે. આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ કેયુર પરીખે જણાવ્યું હતું કે નવી પદ્ધતિ અમલી થવાથી કરદાતાને કોઇ ફાયદો થશે નહીં, કરદાતાની મુશ્કેલી વધશે અને તેની અસર તેના વેપાર ધંધા પર પણ પડશે જો કે વિભાગને તેનાથી બહુ મોટો આર્થિક ફાયદો થશે.

અત્યાર સુધીની પદ્ધતિ મુજબ રેન્ડમ કેસો ઉપરાંત કોઇ પણ કેસમાં શંકા જાય તો પણ તેની ચકાસણી કરવામાં આવે છે. વિભાગ પાનકાર્ડથી લઇને બેંક ડિટેઇલ બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવે છે. હવે નવી પદ્ધતિ મુજબ હવે મેન્યુઅલ નહીં પરંતુ સોફટવેર દ્વારા દરેક કરદાતાની ફાઇલની ચકસાણી કમ્પ્યુટર દ્વારા જ થશે. સોફટવેર જ એવું હશે કે કરદાતાના કયાં કયાં નાણાકીય વ્યવહારો થયા છે તેની ખબર પડી જશે. પાનકાર્ડ, બેંક ડિટેઇલ વિગેરે માહિતી પહેલેથી જ સોફટવેરમાં હશે જે કેસ શંકાસ્પદ હશે તેને અલગ તારવવામાં આવશે. જયારે ર૦૦ કેસ દીઠ રેન્ડમ માત્ર એક કે બે કેસ નહીં પણ તમામ કેસોની સ્ક્રૂટિની મેન્યુઅલના બદલે સોફટવેર દ્વારા જ થશે.

(3:56 pm IST)