Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ભારતમાં સ્ત્રી-પુરૂષ સમાનતા દર અતિ ખરાબઃ ૯૫માં ક્રમે

બ્રિટનની ઇકવીલ મેજર્સ ૨૦૩૦ના રિપોર્ટમાં ખુલાસો થયોઃ વૈશ્વીક સંસ્થાઓ દ્વારા ૧૨૯ દેશોમાં ગરીબી, સ્વાસ્થ્ય, શિક્ષા, સાક્ષરતા, રાજકીય પ્રતિનિધિત્વ અને કાર્ય સ્થળે સમાનતા અંગે આંકલન કરાયું

નવી દિલ્હીઃ ભારતમાં સ્ત્રી-પુરૂષ સમાનતાની સ્થિતિ વિશ્વના અન્ય દેશોની તુલનાએ અતિ ખરાબ છે. તેમ વૈશ્વિક સ્ત્રી-પુરૂષ સુચકાંકના રીપોર્ટમાં જાહેર કરાયું છે. વિશ્વના ૧૨૯ દેશોમાં ભારત સમાનતાના મામલે છેક ૯૫માં સ્થાને છે. આ સુચકાંક ગરીબી, સ્વાસ્થ્ય, શિક્ષા, સાક્ષરતા, રાજકીય પ્રતિનિધિત્વ અને કાર્ય સ્થળે સમાનતા જેેવા આધારોનું આંકલન કરે છે. આ યાદીમાં ચીનને ૯૪મું સ્થાન મળ્યું છે. જયારે ડેનમાર્ક સૌથી ઓછી અસમાનતા સાથે સૌપ્રથમ છે.

 આ રિપોર્ટ બ્રિટનની ઇકવીલ મેજર્સ ૨૦૩૦એ કર્યું છે. આફ્રિકન વુમન્સ ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનીકેશન નેટવર્ક, એશીયા પેસેફીક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર ફોર વુમન, બીલ એન્ડ મેલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ વુમન્સ હેલ્થ કોલીશન સહિતના સ્થાનીક તથા વૈશ્વિક સંગઠનોનો સયુંકત પ્રયાસ છે.

નવા સુચંકાંકમાં ૧૭ આધિકારીક સતત વિકાસ લક્ષ્યો (એસડીજી) માં ૧૪ ના ૫૧ સંકેતક સામેલ છે. સુચકાંકમાં ભારતને સૌથી વધુ સ્કોર એસડીજી ત્રણના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ૭૯.૯, ભુખ અને પોષણમાં ૭૬.૨ અને ઉર્જા ક્ષેત્રમાં ૭૧.૮ કર્યો છે.

જયારે ભારતે ભાગીદારી ક્ષેત્રમાં ૧૮.૩ ઉદ્યોગ-પાયાના કામ અને નવોન્મેષમાં ૩૮.૧ અને જલવાયુંમાં ૪૩.૪નો સૌથી ઓછો સ્કોર કર્યો છે. ભારત એશીયા અને પ્રશાંત ક્ષેત્રમાં નીચેના ક્રમે છે. એશીયા અને પ્રશાંત ના ૨૩ દેશોમાં ભારતનું સ્થાન ૧૭મું છે. જયારે ડેનમાર્ક પ્રથમ અને ચાડ છેલ્લે ૧૨૯માં ક્રમે છે. આ ઉપરાંત સમાનતા દરમાં પાકિસ્તાન ૧૧૩મા, નેપાળ ૧૦૨ અને બાંગ્લાદેશ ૧૧૦માં ક્રમે છે.

(3:37 pm IST)