Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વિશ્વના જંગલો કંગાળ થઇ રહયા છેઃ વર્ષે ૧૩ લાખ ચો.કીમી. વન વિસ્તારનો કડુસલો

સૌથી મોટો જંગલ વિસ્તાર રશીયા પાસેઃ એમેઝોનના કાપવાળા વિસ્તારમાં ગાઢ વન

નવી દિલ્હીઃ વિશ્વમાં ૩ ટ્રીલિયન વૃક્ષો છે જે ઝડપથી ઓછા થઇ રહયા છે. જેટલા વૃક્ષો કાપવામાં આવે છે તેટલી ઝડપે ઉગતા નથી. એક વૃક્ષ કાપતા ૨૦ મીનિટ લાગે છે જયારે તેને ઉગતા ૨૦ વર્ષ લાગે છે. એક વ્યકિતના ભોગે ૪૨૨ વૃક્ષો આવે છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ દર વર્ષે ૧૩ લાખ ચો.કિમી વિસ્તારમાંથી જંગલોનો નાશ થઇ રહયો છે તેમાંથી ૬૦ લાખ હેકટર જમીન પર ખેતી કરવામાં ઉપયોગ થાય છે. જંગલના વૃક્ષો કાપવામાં આવે છે તેનો ૩૭ ટકા ઉપયોગ લાકડા માટે થાય છે.જયારે જંગલમાં લાગતી આગથી ૨૧ ટકા વૃક્ષોનો નાશ થાય છે.

 જંગલોના કારણે કુદરતી રીતે વન્ય જીવો નભતા હોય છે આ જૈવ વિવિધતા (બાયોડાયવર્સિટી)નું ચક્ર ખોરવાય છે. ઇન્ડોનેશિયાની વિશ્વનું ૧ ટકો રેન ફોરેસ્ટ ધરાવે છે જયારે ૧૦ ટકા જેટલા વિવિધ જીવોનું તે આશ્રયસ્થાન છે. જેમાંથી ૧૨ ટકા મેમલ (સ્તનધારી) જીવોનો સમાવેશ થાય છે. સૌથી મોટો પડકાર તો વન્ય પેદાશો પર આધારીત જીવન જીવતી માનવ વસાહતોને થાય છે જંગલો કાપવાથી જીવન જીવવાના અધિકારનો ભંગ થાય છે.

ભારતમાં કુલ વિસ્તારના ૨૪.૬૮ ટકા ભાગમાં જંગલ છે સામાન્ય રીતે કોઇ પણ દેશ પાસે તેના કુલ વિસ્તારના ૩૩ ટકા ભાગમાં જંગલો અને વૃક્ષો હોવા જરુરી છે, ભારત પાસે ૮૦૨૦૮૮ વર્ગ કિમી વિસ્તારમાં છે જેના કુલ વિસ્તારનો ૨૪.૬૮ ટકા ભાગ છે. છેલ્લા બે દાયકાથી ભારતમાં પણ વધતા જતા ભૌતિક વિકાસ અને જંગલો પર અતિક્રમણના પગલે જોખમ વધી રહયું છે. એક સમયે ભારત જંગલોથી આચ્છાદિત દેશ હતો. આજે જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે. જંગલોમાં રહીને જંગલો પર નભતા લોકોની આજીવિકા પર પણ વિપરીત અસર થઇ છે.

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના ૩૩.૮૪ વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. યુએસએમાં કુલ ૩૧૦૦૯૫૦ કિમી વર્ગ જંગલ વિસ્તાર છે. યુએસ પછીનો ક્રમ ચીન અને ઓસ્ટ્રેલિયાનો છે. ચીન પાસે ૨૦૮૩૨૧૦ વર્ગ કિમી વિસ્તાર જંગલોવાળો છે પરંતુ તેના કુલ વિસ્તાર મુજબની સરેરાશ ૨૧.૮૩ ટકા જ છે. ચીનની પ્રચંડ માનવ વસ્તી અને ઔધોગિક વિકાસના પગલે જંગલ વિસ્તાર ઘટતો જાય છે.ઓસ્ટ્રેલિયા પાસે તેના કુલ વિસ્તારના ૧૬ ટકા વિસ્તાર પર જંગલો છે.

 દક્ષિણ અમેરિકા ખંડમાં એેમેઝોન નદીનો વિસ્તાર ૯ દેશો સુધી ફેલાયેલો છે. એમેઝોનના કાપવાળા પ્રદેશમાં ગાંઢ જંગલ વિસ્તાર છે પરંતુ વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વધુ ફોરેસ્ટ રશિયા પાસે છે. ૮૧૪૯૩૦૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલા જંગલ કુલ વિસ્તારનો ૪૯.૪૦ ટકા વિસ્તાર રોકે છે. ત્યાર પછી વિશાળ નો મેન એરિયા ધરાવતો કેનેડા દેશ તેના કુલ વિસ્તારના ૪૯.૨૪ ટકા ફોરેસ્ટ એરિયા ધરાવે છે. કેનેડા પાસે ૪૯૧૬૪૩૮ કિમી વર્ગ જંગલ વિસ્તાર છે. બ્રાઝિલ દેશ તેના કુલ વિસ્તારના ૫૬.૧૦ ટકા વિસ્તાર જંગલોથી ભરેલો છે તેની પાસે ૪૭૭૬૯૮૦ કિમી વર્ગ જંગલ વિસ્તાર ધરાવે છે.

(3:36 pm IST)