Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

દેશભરમાં ઇદની ધામધૂમથી ઉજવણીઃ રાષ્ટ્રપતિ-વડાપ્રધાને આપી શુભકામનાઓ

જામામસ્જિદે ભવ્ય રોશનીઃ સામાન્ય પ્રજાની સાથે દિગ્ગજો પણ ઇદનું મનાવી રહ્યા છે જશ્ન

નવી દિલ્હી, તા.૫: દેશભરમાં ઈદ ઊજવવામાં આવી રહી છે. બુધવાર સવારથી જ દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકો ખાસ નમાજમાં ભાગ લઇ રહ્યાં છે. સેવૈયા અને માવાની દુકાનો પર સવારથી રોનક દેખાઇ રહી છે. ખાસ કરીને બાળકો પર ઈદનો ખુમાર છવાયેલો છે. બાળકો નવા કપડા પહેરી ઈદગાહ પર પહોંચી રહ્યાં છે. નમાજ બાદ તેઓ રમકડા અને મિઠાઇની દુકાનો પર જતા જોવા મળી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, 'પવિત્ર રમઝાન મહિનાના અંતે, આ તહેવાર દાન, ભાઈચારા અને દયાના વિશ્વાસને મજબૂત બનાવે છે.' તેમણે કહ્યું કે, 'આ દિવસે, આપણે પોતાને શાશ્વત મૂલ્યો સમર્પિત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.'

આ સાથે રોજેદારોએ ઈદની નમાઝ પણ અદા કરી અને દેશ દુનિયામાં શાંતિ જળવાઈ રહે તેવી દુઆ પણ માગી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને તેજસ્વી યાદવે પણ મુસ્લિમ સમુદાયને ઈદની શુભેચ્છા પાઠવી છે. આ વખતે રમઝાનની શરૂઆત ૭ મેના રોજ થઈ હતી અને ત્રીસ દિવસ સુધી રમજાન મહિનો ચાલ્યો હતો.

ગત વર્ષે ૧૬ જૂનના રોજ ભારતમાં ઈદની ઉજવણી થઈ હતી. ત્યારે આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી થશે. તો ઈદના પગલે દિલ્લીની પ્રખ્યાત જામા મસ્જિદ અને મીના બજારને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. આજે વહેલી સવારે મુસ્લિમ સમુદાય દ્વારા દેશની પ્રખ્યાત મસ્જિદોમાં નમાજ પણ અદા કરવામાં આવી. દિલ્લી સિવાય ભોપાલ, લખનઉ, હૈદરાબાદ, મુંબઈ, જમ્મૂ-કશ્મીર, લેહ લદાખ, જયપુર, રાંચી અને પટનામાં પણ ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈદના આ પ્રસંગે જૂની દિલ્હીમાં ચૂડીવાલાનની હૌઝ મસ્જિદમાં સવારે ૫ વાગ્યે ૪૫ મિનિટ પર ખાસ નમાજ અદા કરવામાં આવી છે. ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં, સવારના ૭:૧૫ વાગ્યે, તો ચાંદની ચોક ખાતે મોગલ ફતેહપુરી મસ્જિદમાં સવારે ૮:૧૫ વાગ્યે નમાજ અદા કરવામાં આવશે.

(11:35 am IST)