Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નવી લોકસભામાં

ચહેરાઓ-બેઠકો જ નહિ પક્ષો પણ બદલાયેલા દેખાશે

અનેક માંધાતાઓ નહિ દેખાયઃ પહેલી હરોળમાં વિપક્ષો ઓછા દેખાશે

નવી દિલ્હી તા. પઃ વિપક્ષોના કેટલાય મોટા નેતાઓની હાર અને સતાધારી પક્ષના કેટલાક દિગ્ગજ નેતાઓ ચૂંટણી ન લડયા હોવાથી નવી લોકસભા આ વખતે બદલાયેલી દેખાશે. લોકસભામાં વિપક્ષોના કેટલાય દિગ્ગજો જોવા નહીં મળે. સદનની પહેલી લાઇનમાં વિપક્ષી નેતાઓની સીટો ઓછી થઇ જશે. ભાજપાની પહેલી હરોળની બેઠકોની સંખ્યામાં બે નો વધારો થવાનું નકકી છે. અન્નાદ્રમુક સહિત કેટલાક પક્ષોની પહેલી હરોળની બેઠકો આ વખતે છીનવાઇ જશે. ૧૭મી લોકસભામાં ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડા અને કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે ચુંટણીમાં હારી ગયા હોવાથી પહેલી લાઇનમાં નહીં જોવા મળે.

જોકે કોંગ્રેસને પહેલી લાઇનમાં બે બેઠકો મળશે. જેમાં એક સોનિયા ગાંધી હશે અને બીજી સીટ પર લોકસભામાં પક્ષના નેતા હશે. આ વખતે પક્ષને ગયા વખત કરતા આઠ બેઠકો વધુ મળી હોવાથી તે પહેલી હરોળમાં એક સીટ વધુ મેળવવા પ્રયાસ કરશે. જોકે ત્રીજી સીટ મેળવવા માટે જોઇતી સભ્ય સંખ્યા કરતા તેની પાસે ઓછા સભ્યો છે. બીજદને નવી લોકસભામાં ૧૦ બેઠકો મળી છે અને તેથી પહેલી લાઇનમાં બેસવાનો તેનો ધંધો છીનવાયો છે. હવે તે સતાધારી પક્ષ પર નિર્ભર રહેશે કે તેને પહેલી લાઇનમાં બેઠક આપવી કે નહીં.

વિપક્ષોની છાવણીમાંથી દ્રમુકને ર૩ બેઠકોના કારણે પહેલી લાઇનમાં એક બેઠક મળવાનું લગભગ પાકુ છે. તૃણમુલ કોંગ્રેસને પણ એક સીટી માંડ માંડ મળશે. સંખ્યાબળના આધારે શિવસેના અને જદયુ ને પહેલી લાઇનની બેઠકો મળવાનું નકકી છે. જયારે ડાબેરીઓને આ વખતે પણ પહેલી લાઇનમાં સીટ નહીં મળે.

વડાપ્રધાન મોદી, રાજનાથસિંહ અને નિતિન ગડકરી ઉપરાંત અમિત શાહ પણ પહેલી લાઇનમાં જોવા મળશે. આ વખતે લોકસભામાં અડવાણી, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજના ચહેરાઓ જોવા નહીં મળે.

(11:36 am IST)